તમારા આધાર કાર્ડ પર કેટલાં સિમ એક્ટિવ છે

 *તમને ખબર છે તમારા આધાર કાર્ડ પર કેટલાં સિમ એક્ટિવ છે?*


આધાર કાર્ડનો ઘણી રીતે દુરુપયોગ થાય છે. એક મોટો દુરુપયોગ નવું સિમ ખરીદવા માટેનો છે. શક્ય છે કે તમારી જાણ વગર તમારા આધાર પર કોઈએ સિમ ખરીદી લીધું હોય...

તમે સમાચાર વાંચતા હશો અથવા તો ટીવી પર સમાચાર અને ક્રાઇમ શો જોતા હશો, તો તમને ખ્યાલ હશે જ કે મોટાભાગના ગુનાઓમાં અપરાધીઓ ફરજી સિમ કાર્ડ વાપરે છે. એટલે કે એવા સિમ કાર્ડનો ઉપયોગ કરે છે જે કોઇ અજાણી વ્યક્તિના નામે હોય છે. જે વ્યક્તિના નામે સિમ કાર્ડ હોય, તેને સપનાંમાંય ખબર નથી હોતી કે તેના નામના સિમ કાર્ડનો ઉપયોગ કોઇ અપરાધ માટે થઇ રહ્યો છે. સ્વાભાવિક છે કે ખબર ના હોય, કારણ કે અપરાધીઓએ તે વ્યક્તિની જાણ બહાર તેના આધાર કાર્ડનો ઉપયોગ કરીને તેના નામ પર સિમ કાર્ડ લીધું હોય છે. આ પ્રકારની ઘટનાઓ દરરોજ સામે આવે છે.

વર્તમાન સમયે આધાર કાર્ડ એક અત્યંત જરૂરી દસ્તાવેજ બની ગયું છે. જેના વગર તમારું એક પણ કામ થતું નથી. લગભગ દરેક કામ માટે આપણે આધાર કાર્ડની ઝેરોક્ષ અથવા તો ડિજિટલ કોપી આપીએ છીએ. આવી સ્થિતિમાં મારા, તમારા કે કોઇના પણ આધાર કાર્ડની ઝોરોક્ષ કે વિગતો મેળવવી અપરાધીઓ માટે જરા પણ અઘરી નથી. જેનો ઉપયોગ કરીને તેઓ સિમ કાર્ડ ખરીદે છે અને તેનો ઉપયોગ અપરાધ માટે કરે છે. આવી સ્થિતિમાં તમારા આધાર કાર્ડ પર અથવા તો તમારા નામ પર કેટલાં અને કયાં કયાં સિમ કાર્ડ એક્ટિવેટ છે તે જાણવું ખૂબ જરૂરી છે, જેના માટે ભારત સરકાર દ્વારા ખાસ એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેના પર જઇને તમે તમારા આધાર કાર્ડ પર કેટલાં સિમ રજિસ્ટર અને એક્ટિવ છે તે જોઇ શકો છો. ઉપરાંત જો કોઇ અજાણ્યો નંબર તમારા નામ પર હોય તો તરત જ તેનો રિપોર્ટ કરી શકો છો, જેથી તે નંબર બ્લોક થઇ જશે.

તમારા ફોન અથવા તો પીસીના બ્રાઉઝરમાં TAFCOP સર્ચ કરશો એટલે પહેલા જ નંબર પર વેબસાઇટ આવશે. જેનું યુઆરએલ tafcop.sancharsaathi.gov.in હશે. તેના પર ક્લિક કરો અથવા તો તમે સર્ચબારમાં સીધું જ આ યુઆરએલ પણ નાંખી શકો છો.

વેબસાઇટ ખૂલ્યા બાદ તેમાં તમારો મોબાઇલ નંબર નાંખો. ત્યારબાદ કેપ્ચા નાંખશો એટલે તે નંબર પર ઓટીપી જશે. ઓટીપી નાંખી લોગઇન પર ક્લિક કરો.

બસ અહીં તમને તમારા આધાર કાર્ડ પર રજિસ્ટર તમામ ફોન નંબરની યાદી મળી જશે. ખાસ વાત એ છે કે આધાર કાર્ડ સાથે લિંક હોય તે જ નંબર નાંખવાની જરૂર નથી. તમારા આધાર કાર્ડ પર લીધેલો કોઇ પણ નંબર નાંખશો એટલે તમામ નંબરોનું લિસ્ટ આવી જશે.

જો તેમાંથી કોઇ અજાણ્યો નંબર દેખાય કે જેના વિશે તમને ખબર નથી તો તમે તેના પર ક્લિક કરીને રિપોર્ટ પણ કરી શકો છો. આ સિવાય તમારા જ કોઇ નંબરને બંધ કરવો હોય તો અહીંથી જ ડિએક્ટિવેટ પણ કરી શકાશે. અહીં Not My Number, Not Required અને Required સહિતનાં ઓપ્શન પણ મળશે.

હવે ગૂગલ મેપમાં પણ ઇમોજીનો ઉપયોગ થઇ શકશે!

જેમ આપણે અત્યારે સ્માર્ટફોન વગર ચાલે તેમ નથી, તેવી જ રીતે સ્માર્ટફોનમાં ઇમોજી વગર પણ ચાલે તેમ નથી. વૉટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે પછી ફોનની મેસેજિંગ એપ હોય. આ બધાંમાં એક વસ્તુ કોમન છે, ઇમોજી. અત્યારની જે જનરેશન Z છે, તેઓ તો ઇમોજીમાં જ વાતો કરે છે. ત્યારે ઇમોજીના રસિયાઓ માટે એક મહત્ત્વના સમાચાર છે. હવે ગૂગલ મેપમાં પણ ઇમોજીનો ઉપયોગ કરી શકશે. એટલે કે ગૂગલ મેપમાં પણ હાર્ટ, સ્માઇલી, હગ, ચા, કોફી સહિતની તમામ ઇમોજી દેખાશે.

હાલમાં ગૂગલે ટ્વિટ કરીને આ નવા અપડેટની માહિતી આપી છે. જેમાં ગૂગલે કહ્યું કે હવે તમારી પસંદગીની સેવ કરેલી જગ્યાઓને વિવિધ ઇમોજી વડે કસ્ટમાઇઝ કરી શકાશે, જેથી આ જગ્યાઓને તમે ઝડપથી શોધી શકો. એટલે કે હવે ગૂગલ મેપમાં કોઇ પણ લોકેશનને હાઇલાઇટ કરવા માટે તમે વિવિધ ઇમોજીનો ઉપયોગ કરી શકશો.

તમે ગૂગલ મેપમાં સેવ કરેલી જગ્યાઓનાં લોકેશન પર તમારી પસંદનાં ઇમોજી રાખી શકો છો. જેમ કે ઓફિસના લોકેશન પર ઓફિસનાં ઇમોજી, ઘરનાં એડ્રેસ પર ઘરનાં ઇમોજી, તમારી ફેવરિટ કોફી શોપના લોકેશન પર કોફીનાં ઇમોજી અને ગર્લફ્રેન્ડના ઘર પર હાર્ટનાં ઇમોજી. બસ શરત માત્ર એટલી કે જે જગ્યા પર ઇમોજી મૂકવાં હોય તે જગ્યા સેવ કરવી પડશે.

સૌથી પહેલાં ગૂગલ મેપ ખોલો. ત્યારબાદ જે લોકેશન પર ઇમોજી એડ કરવા છે તેના પર ક્લિક કરો. ત્યારબાદ નીચે Saveનો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો. પછી જે પેજ ખુલે તેમાં New list પર ક્લિક કરો. અહીં ઉપર આઇકન પર ક્લિક કરીને ઇમોજી પસંદ કરી લો અને નીચે તે જગ્યા વિશે વિગત લખીને સેવ કરી દો. બસ હવે તમને તે જગ્યા પર ઇમોજી દેખાવા લાગશે. }

નંબર સેવ કર્યા વગર કોઇને વૉટ્સએપ પર મેસેજ કરી શકાય? જી, બિલકુલ. તમે નંબર સેવ કર્યા વગર કોઇને પણ વૉટ્સએપ મેસેજ કરી શકો છો. જોકે આપની માફક જ મોટાભાગનાં લોકોને આ વાતનો ખ્યાલ નથી હોતો. એટલે નાછૂટકે તેમને વૉટ્સએપ મેસેજ કરવા માટે નંબર સેવ કરવા પડે છે. જેમાંથી મોટાભાગના એવા નંબર હોય છે જેનું તમારે માત્ર એક જ વખત કામ હોય છે. એક વખત મેસેજ કર્યા પછી ક્યારેય તેનું કામ નથી પડવાનું. આમ છતા તમારે નંબર સેવ કરવો પડે છે અને પછી એ નંબર કોન્ટેક્ટ લિસ્ટમાં પડ્યો ગિરદી કરે છે. જોકે હવે એવી જરૂર નથી. સૌથી પહેલાં તો ફોનમાં Google (ગૂગલની એપ) ખોલો. ત્યારબાદ તેના સર્ચબારમાં wa.me/91 લખો અને પાછળ જે નંબર પર વૉટ્સએપ મેસેજ કરવો છે તે લખો. અહીં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે વચ્ચે એક પણ સ્પેસ ના રહેવી જોઇએ. (દા.ત. wa.me/9198XXXXXXXX). ત્યારબાદ સર્ચ બટન પર ક્લિક કરશો અથવા એન્ટર આપશો એટલે તરત જ તમારું વૉટ્સએપ ખુલશે અને તેમાં પણ જે-તે નંબર સાથેની ચેટ ખુલી જશે. જો તમે ગૂગલની એપ સિવાય ક્રોમ કે અન્ય બ્રાઉઝરનો ઉપયોગ કરશો તો સર્ચ કર્યા બાદ એક પેજ ખુલશે. તેમાં continue to chat પર ક્લિક કરશો એટલે સીધું વૉટ્સએપ ખુલશે. મજાની વાત એ છે કે લેપટોપ કે પીસીમાં પણ આ રીત કામ કરે છે. 



આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

The other side of the artificial intelligence coin

શું છે Right to Repair પોર્ટલનો ફાયદો