TECHNOLOGY
5જી સર્વિસ લોન્ચઃ એક જીબીની ફુલ એચડી ફિલ્મ 7 સેકન્ડમાં ડાઉનલોડ થઈ શકશે
નવી દિલ્હી,તા.1 ઓક્ટોબર 2022,શનિવાર
દેશમાં 5જી સેવાની શરૂઆત થઈ ગઈ છે. આજે પીએમ મોદીના હસ્તે દિલ્હીના પ્રગતિ મેદાનમાં આ સર્વિસ લોન્ચ કરવામાં આવી હતી.
સાથે સાથે પીએમ મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસને સંબોધન પણ કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, 5જી ટેકનોલોજીના કારણે ઈન્ટરનેટની સ્પીડ અત્યારની ફોર જી સર્વિસની સ્પીડ કરતા દસ ગણી વધી જશે.
એ જાણવુ પણ જરુરી છે કે, 4જી અને 5જીની સ્પીડમાં કેટલો ફરક રહેશે. જાણકારોનુ કહેવુ છે કે, 5જીમાં યુઝર્સને 4જીના મુકાબલે ઘણી ટેકનિકલ સુવિધાઓ મળશે. 5જીમાં ઈન્ટરનેટની ડાઉનલોડ સ્પીડ 10 જીબી પ્રતિ સેકન્ડ સુધી પણ મળશે. જે હાલમાં ફોર જીમાં 150 એમબી પ્રતિ સેકન્ડ સુધી સીમિત છે. 5જી સર્વિસમાં યુઝર્સ ગણતરીની સેકન્ડમાં મોટી સાઈઝની ફાઈલ ડાઉનલોડ કરી શકશે.
ઉદાહરણ તરીકે એક જીબીની સાઈઝની ફુલ એચડી મૂવી 5જીમાં ડાઉનલોડ થવામાં સાત સેકન્ડનો સમય લાગશે. જ્યારે ફોર જીમાં આટલી જ સાઈઝની ફિલ્મ 40 મિનિટમાં ડાઉનલોડ થતી હોય છે. 3જી સર્વિસમાં આ માટે 2 કલાકનો સમય લાગતો હતો.
શું પરમાણુ બોમ્બ એસ્ટ્રોયડથી બચાવશે? વૈજ્ઞાનિકોએ આને સંપૂર્ણ સમર્થન આપ્યું
નવી દિલ્હી, તા. 12 ઓક્ટોબર 2021 મંગળવાર
પરમાણુ બોમ્બને આમ તો સમગ્ર દુનિયાના વિનાશનો સામાન માનવામાં આવે છે પરંતુ હવે આ ન્યૂક્લિયર બોમ્બને લઈને વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો દાવો કર્યો છે. વિદેશી વૈજ્ઞાનિકો અનુસાર કહેવામાં આવી રહ્યુ છે કે ધરતીને ક્ષુદ્રગ્રહો એટલે કે એસ્ટ્રોયડથી બચવા માટે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવી શકે છે. વૈજ્ઞાનિકોએ ભવિષ્યમાં આ કામ માટે પરમાણુ બોમ્બના ઉપયોગનુ સમર્થન કર્યુ છે.
સૌથી મોટો પ્રશ્ન
છેલ્લા કેટલાક સમયથી એસ્ટ્રોયડના ધરતીની નજીકથી પસાર થવાના સમાચારે દેશ અને દુનિયાની ચિંતાનો વિષય રહી છે. જેને લઈને સોશ્યલ મીડિયામાં એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ધરતી સાથે ટકરાશે તો માણસોના અસ્તિત્વ માટે જોખમ બની શકે છે. આવા અનુમાન વચ્ચે વૈજ્ઞાનિક એ જાણવામાં લાગેલા છે કે જો ભવિષ્યમાં કોઈ મોટા એસ્ટ્રોયડની ધરતી સાથે ટક્કર થઈ તો આખરે શુ થશે?
કેટલાક લોકોનુ કહેવુ છે કે જો ધરતી પરથી ડાયનાસોરનો સમગ્ર રીતે સફાયો થઈ શકે છે તો માણસોની સાથે પણ આવુ થઈ શકે છે. જોકે અનુમાન અને અટકળોથી દુનિયાના વૈજ્ઞાનિક ધરતીના માર્ગે આવનાર એસ્ટ્રોરોયડને પહેલા જ ખતમ કરવાની તકનીક પર રિસર્ચ કરી રહ્યા છે. આ માટે એક એવો સિસ્ટમ બનાવવાની તૈયારી થઈ રહી છે જેમાં એક નિશ્ચિત ચેતાવણી અવધિ હશે એવા જોખમને ખતમ કરવામાં આવી શકે છે.
પૃથ્વીને સૂર્યમાળાની બહારથી સૌપ્રથમ વખત સંકેત મળ્યા
છૂપાયેલા ગ્રહનો સંકેત આપતા રેડિયો સિગ્નલ પકડાયા
હોલેન્ડના સૌથી શક્તિશાળી રેડિયો એન્ટેના પર આ રેડિયો સિગ્નલ પકડાયા
નવી દિલ્હીઃ એક અત્યંત મહત્ત્વના સંશોધનમાં ખગોળશાસ્ત્રીઓએ પહેલી વખત છૂપાયેલા ગ્રહનો સંકેત આપતા હોય તેવા રેડિયો સિગ્નલ પકડયા છે. આ સિગ્નલો નેધરલેન્ડના વિશ્વના સૌથી શક્તિશાળી રેડિયો એન્ટેનાના લો-ફ્રીકવન્સી એરે (એલઓએફએઆર) દ્વારા પકડવામાં આવ્યા છે.
છૂપાયેલા ગ્રહો શોધવાની નવી ટેકનિક દ્વારા સૂર્યમાળાની બહારના જીવન અંગે પણ જાણકારી મેળવી શકાય છે, જે અત્યાર સુધી ખગોળશાસ્ત્ર માટે સૌથી મોટો સવાલ રહ્યો છે. શું આપણે એકલા છીએ કે બીજું કોઈપણ છે. ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના ડો. બેન્જામીન પોપ અને તેમના સહયોગીઓએ ડચ નેશનલ ઓબ્ઝર્વેટરી એસ્ટ્રોન ખાતે આ શોધ કરી હતી. ખગોળશાસ્ત્રીઓ એલઓએફએઆરનો ઉપયોગ કરીને ગ્રહોને શોધી રહ્યા છે.
ખગોળશાસ્ત્રીઓએ ૧૯ ડિસ્ટન્ટ રેડ ડ્વાર્ફ શોધ્યા છે, તેમાથી ચારની તો ગ્રહો પ્રદક્ષિણા કરી રહ્યા હોવાનું જાણમાં આવ્યું છે. આપણે લાંબા સમયથી જાણીએ છીએ કે આપણી સૂર્યમાળાના ગ્રહોને મેગ્નેટિક ફિલ્ડ સોલર વાઇન્ડના સંસર્ગમાં આવે છે ત્યારે શક્તિશાળી રેડિયો વેવ્સનું ઉત્સર્જન કરે છે, પરંતુ આપણે હજી સુધી આપણી ગ્રહમાળાની બહારના રેડિયો સિગ્નલ પકડી શક્યા નથી.
અગાઉ દરેક ખગોળશાસ્ત્રી સ્થિર દરે આવતા રેડિયો પ્રવાહ દ્વારા જ નજીકના તારાને શોધી શકતા હતા. રેડિયો ખગોળશાસ્ત્રીઓ હવે જ્યારે રેડ ડ્વાર્ફ સ્ટાર્સનું નિરીક્ષણ કર્યુ ત્યારે જૂના પ્લેઇન ઓલ્ડ સ્ટાર પણ જોઈ શક્યા હતા. આ સ્ટાર સૂર્ય કરતાં ઘણા નાના છે.
નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ ટીમને વિશ્વાસ છે કે આ સિગ્નલો સ્ટાર્સના મેગ્નેટિક જોડાણમાંથી આવે છે અને તેની આજુબાજુ ન દેખાતા ગ્રહો પ્રદક્ષિણા કરી રહ્યા છે. આવુ જ સામંજસ્ય ગુરુ અને તેના ચંદ્ર વચ્ચે જોવા મળ્યું છે. એસ્ટ્રોન લેઇડન યુનિવર્સિટીના ડો. જોસેફ કોલિંગમે જણાવ્યું હતું કે આપણી પૃથ્વીનો પણ ઔરા છે, તે મુખ્યત્વે ઉત્તરીય અને દક્ષિણ ધુ્રવ પર વધારે પ્રમાણમાં વ્યાપ્ત છે. અહીં પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ સૌર પવનો સાથે વધારે પ્રમાણમાં સંસર્ગમાં આવતું હોવાથી રેડિયો વેવ્સ વધારે પ્રમાણમાં છોડે છે.
નવા સમયનો નવો બિઝનેસ આઈડિયા 'બોરિંગ' વિકિપીડિયા,'બ્યૂટિફૂલ' વિકિવેન્ડ !
બાજુમાં આપેલી બંને તસવીરો જરા ધ્યાનથી જુઓ.
હવે એ કહો કે પહેલી નજરે, કઈ તસવીરે તમારું વધુ ધ્યાન ખેંચ્યું? બંનેમાંથી કયો
લેખ પહેલાં વાંચવા તમારું મન દોરાશે? ઝીણી નજરે જુઓ
અથવા આ બંને તસવીર આખરે જે વેબપેજીસના સ્ક્રીનશોટ્સ છે તેના પર પહોંચો તો ખ્યાલ
આવે કે બંને લેખ વાસ્તવમાં એક જ છે, માત્ર રજૂઆતનો
તફાવત છે! ઉપલો સ્ક્રીનશોટ, આપણા સૌ માટે પરિચિત વિકિપીડિયાના લેખનો છે. નીચલો સ્ક્રીનશોટ તેના નવા સ્વરૂપ
સમા વિકિવેન્ડનો છે.
વૃદ્ધાવસ્થામાં પ્રવેશી ચૂકેલી કોઈ વ્યક્તિને
જડીબુટ્ટી મળી જાય અને તેનો કાયાકલ્પ થઈ જાય એના એવી આ વાત છે. આપણે જેને વધુ
ઓળખીએ છીએ તે વિકિપીડિયાનો જન્મ જાન્યુઆરી ૨૦૦૧માં થયો હતો. માનવજીવનમાં ૨૧ વર્ષે
ભરજુવાની આવે, પણ ઇન્ટરનેટની દુનિયામાં ત્યારે વૃદ્ધાવસ્થા આવી જાય. આટલાં વર્ષ જૂની બીજી
લગભગ બધી જ સર્વિસના લૂક એન્ડ ફીલમાં સતત પરિવર્તનો થયાં છે, પણ
વિકિપીડિયામાં લગભગ કોઈ ફેરફાર થયો નથી.
એનું એક મહત્ત્વનું કારણ પણ છે. વિકિપીડિયા
પર ઓક્ટોબર ૨૦૨૧ની સ્થિતિ અનુસાર માત્ર ઇંગ્લિશમાં ૬૩
લાખથી વધુ લેખ છે! વિકિપીડિયાનું માળખું જ એ પ્રકારનું છે કે તેમાં કોઈ પણ વ્યક્તિ
નવા લેખ ઉમેરી શકે કે હાલના લેખમાં ફેરફાર કરી શકે. આથી વિકિપીડિયાની આખી સાઇટ
ચોક્કસ પ્રકારના સોફ્ટવેરથી ચાલે છે અને દરેક લેખના લેઆઉટ આપોઆપ તૈયાર થાય છે. વિકિપીડિયાના
જ્ઞાનયજ્ઞમાં યોગદાન આપતા એડિટર્સ પેજ ડિઝાઇનમાં ગૂંચવાય નહીં એ માટે
વિકિપીડિયામાં વર્ષોથી એક સરખો, સાદો લેઆઉટ જળવાયો છે, જે આપણે એટલે
કે યૂઝર્સ માટે બોરિંગ બનવા લાગ્યો છે!
ઇઝરાયેલના એક સ્ટાર્ટઅપને વિકિપીડિયાના ઓપન
સ્ટ્રક્ચર અને બોરિંગ પ્રેઝન્ટેશનમાં બિઝનેસનો આઇડિયા દેખાયો. આથી
લાયોર ગ્રોસમેન નામના એક સાહસિક અને તેની ટીમે, જાદુગર વેન્ડ (છડી) ફેરવીને કાગળમાંથી ફૂલો સર્જે એમ, પળવારમાં
વિકિપીડિયાની રજૂઆત બદલી નાખતી એપ્લિકેશન સર્જી.
આપણે ડેસ્કટોપમાં ગૂગલ ક્રોમ કે ફાયરફોક્સમાં વિકિવેન્ડ એક્સ્ટેન્શન ઉમેરીએ એ પછી, કોઈ વિષય સર્ચ
કરી, તેના
વિકિપીડિયાના પેજ પર પહોંચીએ એટલે વચ્ચે વિકિવેન્ડ પોતાની જાદુઈ છડી ફેરવે અને
આપણને એ જ લેખ નવા, રોમાંચક સ્વરૂપે જોવા મળે!
યાદ રહે, કરામત આંગળીના
પલકારે થાય છે અને ૩૦૯ ભાષાના ૫.૫ કરોડ જેટલા લેખો માટે થાય છે. કામ કેટલું ભગીરથ
છે એ વિચારી જુઓ.
આપણે આ ચમત્કારમાં ઊંડા ઊતરીએ, બિઝનેસ
આઇડિયાની સાથે આપણે કામની વાતો જાણીએ. યૂઝર ઇન્ટરફેસ
ડિઝાઇનર્સ, બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ વગેરે માટે આ એક સરસ કેસ સ્ટડી છે!
તમે વિકિપીડિયાના લેખો વારંવાર જોતા હો અને એ
જ લેખો નવી રીતે જોવા હોય તો વિકિવેન્ડનો ઉપયોગ શરૂ કરી શકાય. એ માટેનાં પગલાં સરળ છે.
વિકિવેન્ડની વેબસાઇટ પર (http://www.wikiwand.com/) જાઓ.
અહીં ડાઉનલોડ ફોર ક્રોમની લિંક જોવા મળશે. ફાયરફોક્સ માટે પણ તે
ઉપલબ્ધ છે.
ડાઉનલોડ ફોર
ક્રોમ પર ક્લિક કરશો એટલે
ક્રોમ બ્રાઉઝરના વેબસ્ટોરમાં આ વિકિવેન્ડના એક્સટેન્શનની લિંક ખૂલશે.
અહીં એડ ટુ ક્રોમ લિંક પર ક્લિક કરી દો. નવું એક્સટેન્શન ઉમેરવા વિશે ખરાઈ કરતો મેસેજ આવે તે
વાંચીને એક્સટેન્શન એડ કરી દો. એ સાથે વિકિવેન્ડ તરફથી એક થેંક્યુ મેસેજ મળશે અને
સાથોસાથ જુદા જુદા પ્રકારના ગ્લાસ વિશેના વિકિપીડિયાના જુદા જુદા લેખ વિકિવેન્ડ પર
ચકાસી જોવાનું કહેવામાં આવશે.
એમાંથી કોઈ પણ લેખ પર ક્લિક કરશો એટલે
વિકિપીડિયા પર વિકિવેન્ડ શો જાદુ કરે છે તે તરત સમજાઈ જશે!
તમે જે ગ્લાસ વિશેના લેખની લિંક ક્લિક કરી
હશે તેનો વિકિપીડિયા લેખી ખૂલશે, પણ તમે માની જ નહીં શકો કે એ વિકિપીડિયાનો
લેખ છે! એડ્રેસબાર તપાસશો તો ત્યાં વિકિપીડિયાને બદલે વિકિવેન્ડ વેબસાઇટનું એડ્રેસ
જોવા મળશે!
લખાણ, તસવીરો વગેરે
બધું જ વિકિપીડિયાનું, ફક્ત સર્વર અને ડિઝાઇન વિકિવેન્ડની! વિકિવેન્ડ એ જ લેખના પોતાના પેજ પર
જાહેરાતો બતાવીને કમાણી કરે છે.
સૌથી વધુ ટ્રાફિકની રીતે વિકિપીડિયા યુએસમાં
પહેલા અને દુનિયામાં ત્રીજા ક્રમે છે. વિકિપીડિયાનો મૂળ હેતુ દુનિયાભરના જ્ઞાનને
બિલકુલ નિ:શુલ્ક દુનિયાના સમક્ષ ઉપલબ્ધ કરવાનો છે. આ સાઇટ ચલાવવાનો ગંજાવર ખર્ચ
આવતો હોવા છતાં, સાઇટના સંચાલક તેના પર જાહેરાત બતાવીને તેમાંથી કમાણી કરવા પણ તૈયાર નથી.
પરંતુ વિકિવેન્ડ આ જ લેખો પોતાના ફિલ્ટર દ્વારા બતાવે છે અને એ પેજમાં તે પોતાની રીતે માફકસર જાહેરાતો ઉમેરે છે!
વિકિપીડિયા પરના બધા જ લેખ જુદા જુદા લોકોએ સાથે
મળીને લખ્યા હોવાથી તેનો કોઈ એક લેખક કે માલિક નથી! આ તમામ લેખ ફ્રી લાઇસન્સ હેઠળ
મૂકવામાં આવે છે, જેથી અમુક શરતોને આધીન, તેનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે ઉપયોગ કરી શકે છે. વિકિવેન્ડ આ સુવિધાનો લાભ
લે છે. આપણે બ્રાઉઝરમાં એક વાર વિકિવેન્ડ એક્સટેન્શન ઉમેરી દઈએ પછી ગૂગલમાં ગમે તે
સર્ચ કરીને વિકિપીડિયાની લિંક પર ક્લિક કરીએ એટલે પેલું એકસટેન્શન કામે લાગી જાય
છે અને પલકવારમાં, વિકિપીડિયાનો આખો લેખ પોતાના સર્વર પર લઈ, તેના પર પોતાની
નવી ડિઝાઇન અને તેની ખૂબીઓનું નવું લેયર ઉમેરીને આપણી સમક્ષ રજૂ કરે છે.
વિકિવેન્ડના સ્થાપકે ટેક્નોલોજીની કમાલથી દુનિયાની સૌથી લોકપ્રિય વેબસાઇટના લેખોને
પોતાના બનાવી લીધા છે!
વિકિપીડિયાના મૂળ લેખની રજૂઆતમાં વિકિવેન્ડ કેવા ફેરફાર કરે છે ?
જો તમે વિકિપીડિયાના લેખોની વારંવાર મુલાકાત લેતા હો તો એક વાર વિકિવેન્ડ પર એક વાર હાથ અજમાવવા જેવો છે. વિકિવેન્ડની શરૂઆત ઓગસ્ટ ૨૦૧૪માં થઈ અને હજી સુધી વિકિપીડિયાએ તેની સામે કોઈ વિરોધ નોંધાવ્યો નથી. વિકિવેન્ડ તેની કમાણીમાંથી વિકિપીડિયા ફાઉન્ડેશનમાં યોગદાન પણ આપે છે!
હકીકત એ છે કે વિકિવેન્ડ વિકિપીડિયાના
કન્ટેન્ટમાં કોઈ જ ફેરફાર કરતું નથી, તે ફક્ત તેની રજૂઆત
બદલે છે. પણ આ કામ એ એટલી સફાઈથી કરે છે કે જો તમે વિકિવેન્ડનો ઉપયોગ શરુ કરો અને
થોડા દિવસ વિકિવેન્ડનાં ચશ્મા પહેરીને વિકિપીડિયાના લેખ જોતા રહેશો તો પછી ક્યારેય
ફરી જૂના લેઆઉટ જોવાની ઇચ્છા થશે નહીં! વિકિપીડિયાના જૂના લેઆઉટમાં લેખનું સામાન્ય
માળખું એવું હોય છે કે ડાબી તરફની પેનલમાં વિકિપીડિયાની અઢળક લિંક્સ હોય, વચ્ચેના ભાગમાં
શરૂઆતમાં જે તે લેખની પૂર્વભૂમિકા હોય, પછી તેના જુદા
જુદા પેટાભાગનાં શીર્ષકની લિંક્સ હોય, તેની નીચે એક
પછી એક પેટા વિભાગમાં વધુ માહિતી હોય, સૌથી છેલ્લે
વધારાની લિંક્સ, રેફરન્સ વગેરે બધું હોય. સૌથી છેલ્લે જમણી પેનલમાં એ જ લેખના સારરૂપ વિવિધ
માહિતી, ફોટોગ્રાફ વગેરે આપવામાં આવ્યાં હોય. વિકિવેન્ડમાં આ બધી જ બાબતોને સ્માર્ટ
લૂકમાં રજૂ કરવામાં આવે છે.
fðh VkuxkuøkúkV
વિકિવેન્ડ સૌથી પહેલાં તો જે તે લેખનો સૌથી
ધ્યાનાકર્ષક ફોટોગ્રાફ પસંદ કરીને તેને સૌથી ઉપર, પેજનો મોટો ભાગ
રોકી લે એ રીતે મૂકે છે. પરિણામે પહેલી જ નજરમાં આપણને આખો લેખ વાંચવાની ઇચ્છા
જાગે!
Mkíkík MkkÚku hnuíkwt
xuçk÷ ykuV fLxuLxTMk
મૂળ વિકિપીડિયામાંની ડાબી તરફની સંખ્યાંબંધ
લિંક્સ (જેનો આપણે ભાગ્યે જ ઉપયોગ કરીએ છીએ) વિકિવેન્ડમાં બિલકુલ દૂર કરવામાં આવે
છે (છતાં તેમાંની ઉપયોગી લિંક્સ સ્માર્ટ રીતે, અલગ જગ્યાએ
જાળવી પણ લેવાઈ છે).
તેના બદલે, ડાબી તરફની
પેનલમાં આખા લેખના જુદા જુદા પેટાશીર્ષકોની લિંક આપવામાં આવે છે. આપણે ભલે લેખમાં
ઊંડે ઊતરતા જઈએ, આખા લેખની અનુક્રમણિકાની પેનલ સતત આપણી નજર સામે રહે છે. મૂળ વિકિપીડિયામાં આ
સવલત નથી.
વિકિવેન્ડમાં ફોન્ટ, ફોન્ટની સાઇઝ, લાઇન વચ્ચેનું
સ્પેસિંગ વગેરે નાની નાની વાતની પણ સરસ કાળજી લેવાઈ છે. પરિણામે ભારેખમ લેખ
વાંચવાનું પણ કંટાળાજનક લાગતું નથી.
તમે હંમેશા જોયું હશે તેમ વિકિપીડિયાના તમામ
લેખમાં વાક્યે વાક્યે અનેક લિંક્સ હોય છે. તેનું કારણ એ છે કે વિકિપીડિયાના તમામ
લેખ ઇન્ટરલિંક્ડ છે. જે શબ્દ વિશે વિકિપીડિયામાં અન્ય લેખમાં વધુ માહિતી હોય તેની
મૂળ લેખમાં લિંક આપવામાં આવી હોય. જેમ કે નર્મદા નદી વિશેના લેખમાં અમરકંટકનો
ઉલ્લેખ આવે તો વિકિપીડિયામાં અમરકંટક વિશે અલગ આખો લેખ પણ છે, આથી તેની લિંક
નર્મદાના લેખમાં જોવા મળે. પરંતુ થાય એવું કે આપણે નર્મદા વિશે વાંચતાં-વાંચતાં
અમરકંટક વિશે ફક્ત થોડો સંદર્ભ મેળવવો હોય તો પણ લિંક પર ક્લિક કરતાં તેનો આખો લેખ
ઓપન થાય.
વિકિવેન્ડમાં આવી લિંક્સ તો છે, પણ તેના પર
માઉસ લઈ જતાં, ત્યાં ને ત્યાં એક નાની વિન્ડો ખૂલે અને એ બીજા લેખનો થોડો ભાગ વાંચવા મળે!
આપણે મોટા ભાગે એટલી જ માહિતી જોઈતી હોય, છતાં વધુ
વાંચવું હોય તો પછી માઉસથી ક્લિક કરીને આખા લેખને ઓપન કરી શકાય - ફેર નાનો છે, પણ કામનો છે.
મૂળ વિકિપીડિયામાં તમે એપલ સર્ચ કરી જુઓ. પછી વિકિવેન્ડમાં ફરી એપલ સર્ચ કરી જુઓ અને તફાવત જુઓ. દરેક પ્રકારના
એપલ વિશે નાની-નાની તસવીર તથા લેખના પ્રકાર મુજબના આઇકોનથી સર્ચની આપણી કલ્પના જ
બદલાઈ જાય છે. અહીં પણ, દરેક લેખના શીર્ષક પર માઉસ લઈ જતાં તેનો ક્વિક પ્રીવ્યૂ જોવા મળે છે, લેખ કામનો લાગે
તો જ આગળ જાઓ!
વિકિપીડિયામાં હવે ઘણા લેખોમાં સુંદર
પેનોરમિક ફોટોગ્રાફ્સ પણ જોવા મળે છે (હિમાલય કે ગંગા વિશેના લેખમાં આવા
ફોટોગ્રાફ્સ મળશે). આવા પેનોરમાની પહોળાઇ પેજ કરતાં વધુ હોય એટલે અસલ
વિકિપીડિયામાં ફોટોગ્રાફની નીચેના સ્ક્રોલબારની મદદથી ફોટોગ્રાફને ડાબે જમણે
સ્ક્રોલ કરવો પડે છે. વિકિવેન્ડમાં આખા ફોટોગ્રાફમાં ગમે ત્યાંથી માઉસથી ડ્રેગ
કરીને ફોટોગ્રાફને સ્ક્રોલ કરી શકાય છે. સગવડ સાવ નાની છે, પણ બહુ બારીક
રીતે કામની છે!
વિકિવેન્ડ પોતે તો લેઆઉટ ફેરવી જ નાખે છે, તે ઉપરાંત આપણે
ઇચ્છીએ તેવા તેમાં ફેરફાર કરવાની સુવિધા પણ આપે છે. તમે ઇચ્છો તો ફોન્ટનો પ્રકાર
બદલો, બેકગ્રાઉન્ડ
ડાર્ક કરો, ફોન્ટ નાના-મોટા કરો, કોલમની પહોળાઈ નાની-મોટી કરો, કવર ફોટોગ્રાફ્સ સાથેનો રીચ લેઆઉટ રાખો અથવા
ટેક્સ્ટ પર વધુ ભાર હોય તેવો સાદો લેઆઉટ રાખો. પસંદગી તમારી. વિકિવેન્ડમાં
ફોટોગ્રાફ અને લખાણને સહેલાઈથી શેર કરવાની સગવડ પણ છે.
અને આ બધાના અંતે, નીચે જમણા ખૂણે
એક ડબલ્યુ જોવા મળશે, જેના પર માઉસ લઈ જતાં, એ લેખને મૂળ વિકિપીડિયા અથવા વિકિવેન્ડમાં જોવાની પસંદગી કરવા મળશે! આ અનુભવ
કરી જોયા પછી પણ તમને જૂનો લેઆઉટ જ સારો લાગતો હોય તો તમે વિકિવેન્ડના મેઇન
મેનુમાં જઈ, એક ક્લિકથી વિકિવેન્ડ અનઇન્સ્ટોલ કરી શકો છો.
લગ્ન પ્રસંગોના વીડિયો શૂટિંગ અને મૂવીના શૂટિંગમાં ડ્રોનનો ઉપયોગ હવે ભારતમાં પણ ખાસ્સો સામાન્ય થઈ ગયો છે. એપ્રિલ ૨૦૧૮માં રીલિઝ થયેલી ગુજરાતી મૂવી રેેવામાં મા નર્મદાના પ્રવાહની ખૂબસુરતી ડ્રોનથી અદભુત રીતે કેપ્ચર કરાઈ હતી તે કદાચ તમને યાદ હશે. દુનિયાની સાથે ભારતમાં ડ્રોનનો ઉપયોગ સતત વિસ્તરતો રહ્યો છે. રથયાત્રા સમયે પોલીસ બંદોબસ્તમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ થાય છે, તેમ હજી હમણાં જ ટેકનોવર્લ્ડમાં આપણે જાણ્યું હતું કે બેંગલુરુમાં દવા જેવી આવશ્યક ચીજવસ્તુઓની ડિલિવરી માટે ડ્રોનનું ટેસ્ટિંગ થવા લાગ્યું છે. ઇ-કોમર્સ કંપનીઓ લાંબા સમયથી ચીજવસ્તુઓની ઝડપી ડિલિવરી માટે ડ્રોનના ઉપયોગની શક્યતાઓ તપાસી રહી છે.
હજી થોડા સમય પહેલાં ડ્રોનના ઉપયોગનો બીજો
અને ખતરનાક એંગલ પણ આપણે જોયો હતો. ભારતીય એરફોર્સનાં મથકો પર ત્રાસવાદીઓએ ડ્રોનથી
હુમલા કર્યા.
આ બધું જોતાં હવે ભારતમાં ડ્રોનના યોગ્ય અને
સલામત ઉપયોગ માટે ધારાધોરણો ઝડપથી ઘડવામાં આવી રહ્યાં છે. આ દિશામાં એક મહત્ત્વની
જાહેરાત કરતાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ તાજેતરમાં કહ્યું કે નજીકના
દિવસોમાં બધા પ્રકારના ડ્રોનમાં ઓટોમેટિક ઓન/ઓફ સ્વિચની જોગવાઈ ફરજિયાત કરવામાં આવશે. આનો અર્થ એ કે કોઈ ડ્રોન તેના માટે
મંજૂર થયેલા નિશ્ચિત ફ્લાઇટ પાથની બહાર જશે ત્યારે ગ્રાઉન્ડ પરથી એ ડ્રોનને સ્વિચ
ઓફ કરી શકાશે! ભારતમાં ઉપયોગમાં લેવાતા તમામ ડ્રોનની એક રજિસ્ટ્રી પણ તૈયાર
કરવામાં આવશે.
ભારતમાં ડ્રોનના ઉપયોગ માટે એક ડિજિટલ
એરસ્પેસ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ડ્રોન ઓપરેશન્સ માટે રેડ, યલો અને ગ્રીન
ઝોન નિશ્ચિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૧માં ઘડાયેલા ડ્રોનના નિયમો અનુસાર ગ્રીન
ઝોનમાં ૪૦૦ ફૂટની ઊંચાઈ સુધી ડ્રોન ઉડાડવા માટે કોઈ પરમિશન લેવાની જરૂર રહેશે
નહીં. એ જ રીતે એરપોર્ટ જેવાં સંવેદનશીલ સ્થળોથી ૮ થી ૧૨ કિલોમીટરના અંતરમાં ૨૦૦
ફૂટની ઊંચાઈ સુધી, મંજૂરી વિના ડ્રોન ઉડાડી શકાશે. ભારતમાં અત્યારે ૨૦૦ જેટલાં સ્ટાર્ટઅપ્સ
ડ્રોનના વિવિધ ઉપયોગો આધારિત બિઝનેસ વિકસાવી રહ્યાં છે. ભારતમાં નાગરિક ઉડ્ડયન
મંત્રાલય ખાસ ડ્રોન માટે નવા એર કોરિડોર્સ વિકસાવી રહ્યું છે. જેમાંથી અમુક માત્ર
કાર્ગો ડિલિવરી કરતા ડ્રોન માટે ફાળવવામાં આવશે.
સિંગાપોર પોલીસે નજીવા ગુના પકડવા રોબોટ્સ રમતા મૂક્યા
વિવિધ દેશો અને શહેરોની પોલીસ ગુનાખોરો પર નજર રાખવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદ લેવા લાગી છે. પરંતુ ગયા મહિને સિંગાપોર પોલીસ એક ડગલું આગળ વધી. સિંગાપોર પોલીસે શહેરના રસ્તાઓ પર ચોકીપહેરાનું કામ બે રોબોટને સોંપી જોયું. આ બંને રોબોટને ઝેવિયર નામ અપાયું છે. મૂવીઝમાં જોવા મળે છે એવા રોબોટથી તદ્દન વિપરિત, ઝેવિયર રોબોટ વાસ્તવમાં આપમેળે ચાલતા વાહન જેવા છે. તેમાં ટોપ પર કેમેરા બેસાડવામાં આવ્યા છે. આ રોબોટ્સ શહેરના પોપ્યુલર શોપિંગ એરિયામાં ફરતા રહીને પ્રતિબંધિત વિસ્તારમાં ધૂમ્રપાન કરતા લોકો, ફૂટપાથ પર ગેરકાયદે વેચાણ કરતા ફેરિયાઓ કે ખોટી રીતે પાર્ક કરાયેલાં વાહનો પર નજર રાખે છે. રોબોટના કેમેરા આવી કોઈ પ્રવૃત્તિ નજરે ચઢે તો સિંગાપોર પોલીસના કંટ્રોલ સેન્ટરમાં તેને મોકલે છે અને ત્યાંથી હ્યુમન પોલીસ આગળનાં પગલાં લે છે. આ રોબોટ્સમાં વિવિધ પ્રકારનાં સેન્સર્સ મૂકવામાં આવ્યાં છે તેમ જ ગેરકાયદે થતી પ્રવૃત્તિઓને લગતા ડેટાથી તેને ટ્રેઇન કરવામાં આવ્યા છે. સિંગાપોર પોલીસના મતે હ્યુમન સિક્યોરિટી ગાર્ડને બદલે આ પ્રકારના રોબોટ્સ કામે લગાડવાથી ખર્ચમાં સારી એવી બચત થઈ શકે છે.
સોશિયલ સાઈટ્સ વાંધાજનક કન્ટેન્ટ સામે પગલાંના રિપોર્ટ આપવા લાગી
ઓગસ્ટ ૨૦૨૧ના એક જ મહિના દરમિયાન વોટ્સએપે ૨૦ લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. આ વર્ષની શરૂઆતમાં ભારત સરકારે સોશિયલ મીડિયા સંબંધિત ધારાધોરણોમાં ફેરફાર કર્યા પછી, વોટ્સએપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તેને મળતી કન્ટેન્ટ સંબંધિત ફરિયાદો અને તેના પર લેવામાં આવેલા પગલાંનો રિપોર્ટ દર મહિને સરકારને આપવાનું ફરજિયાત બન્યું છે. વોટ્સએપ કંપનીએ કહ્યું હતું કે તેણે બંધ કરેલા એકાઉન્ટ્સમાંથી ૯૫ ટકા એકાઉન્ટ્સ પરથી ઓટોમેટેડ અથવા સ્પામ તરીકે બલ્ક મેસેજિંગ થતું હતું. સામન્ય રીતે વોટ્સએપ દર મહિને સમગ્ર વિશ્વમાં ૮૦ લાખ જેટલા એકાઉન્ટ પર આવા જ કારણોસર પ્રતિબંધ મૂકે છે. દરમિયાન ફેસબુક પ્લેટફોર્મ પર ઓગસ્ટ ૨૦૨૧ના એક મહિના દરમિયાન ૩.૧૮ કરોડ કન્ટેન્ટ પીસ વિવિધ પ્રકારના વાંધાવિરોધને કારણે દૂર કરવામાં આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર ૨૨ લાખ પોસ્ટ દૂર કરવામાં આવી હતી.
જોકે એ નોંધવા જેવું છે કે આ પ્રકારે માત્ર
ભારત જેવા ચોક્કસ દેશ માટે વાંધાજનક કન્ટેન્ટ તારવીને દૂર કરવાની પ્રક્રિયા
મુશ્કેલ છે. આવા પ્લેટફોર્મ પર વાંધાજનક પોસ્ટ કરનારા લોકો વિવિધ તરકીબ અજમાવીને
પોતાનો મૂળ દેશ છૂપાવી શકતા હોય છે.
પ્રતિ કલાક ૧૬ લાખ કિમીની ઝડપે સૌર તોફાન પૃથ્વી તરફ આગળ વધી રહયું છે ?
છેલ્લે આઉટર સ્પેસમાં પ્રકારનું ખતરનાક સૌર તોફાન ૧૯૮૯માં આવ્યું હતું.
માસ ઇન્જકેશનથી આયનિત કણો સેટેલાઇટને પણ નુકસાન કરી શકે છે
ન્યૂયોર્ક,૧૫ ઓકટોબર,૨૦૨૧,શુક્રવાર
સ્પેસ સાયન્સનો વિકાસ થવાથી અવકાશ અને ગ્રહોની નીત નવી માહિતી બહાર આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક જબરદસ્ત સૌર તોફાન પૃથ્વી તરફ આગળ વધી રહયું છે. અમેરિકાએ આપેલી નવેસરની ચેતવણી મુજબ ગણતરી કલાકોમાં જ સૌર તોફાન પૃથ્વી સાથે ટકરાઇ શકે છે. પૃથ્વી પર આની શું અસર પડશે એ બાબતે સંશોધકોમાં મત મતાંતર જોવા મળે છે પરંતુ કેટલાકનું માનવું છે કે વીજળી પુરવઠા, જીપીએસ સિસ્ટમ અને મોબાઇલ સિગ્નલ પર વિપરિત અસર થઇ શકે છે. વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપી છે કે અંતરિક્ષમાંથી આવતી નોર્ધન લાઇટસ અમેરિકા અને યુકેમાં પણ દેખાઇ શકે છે. અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમૉસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને સૌર તોફાનના કારણે પૃથ્વીના ઘણા ભાગોમાં વીજળી પડી શકે છે. કેટલાક સ્થળે ચુંબકિય બળ પણ અનુભવી શકાય છે. પાવર ગ્રીડને પણ આનાથી નુકસાન થઇ શકે છે.
૧૧ ઓકટોબરથી શરુ થયેલું તોફાન ૧૩ ઓકટોબરથી તેજ બન્યું છે. પ્રતિ કલાક ૧૬ લાખ કિમીની ઝડપે આગળ વધી રહયું છે. છેલ્લે આ પ્રકારનું ખતરનાક તોફાન ૧૯૮૯માં આવ્યું હતું. જો કે તે સમયે ઇન્ટરનેટ સહિતની ડિજીટલ ટેકનોલોજીનો કોઇ જ પ્રચાર પ્રસાર ન હતો. જયારે હાલમાં તો દરેકની દિનચર્યા ડિજીટલ ટેકનોલોજી સાથે જોડાઇ ગઇ છે. પૃથ્વીની બહાર આઉટર સ્પેસ તરીકે ઓળખાતા સ્થળે વિવિધ પ્રકારની ખગોળીય ઘટનાઓ બનતી રહે છે. સૂર્ય આપણા સૌર મંડળનો મુખ્ય ભાગ છે આથી જ તો સૌર મંડળ કહેવામાં આવે છે. આવી જ એક ઘટના છે સૌરમાં ઉઠી હોવાથી તેને સૌર તોફાન કહેવામાં આવે છે. સૂર્યની સપાટી પર થતા વિસ્ફોટના કારણે ઉર્જા નિકળે છે જેને સન ફલેયર કહેવામાં આવે છે.
સન ફલેયર ઉર્જાની સાથે ચુંબકિય ઉર્જા પણ નિકળે છે જેનાથી કોરોના તરીકે ઓળખાતી સૂર્યની બહાર સપાટીનો કેટલોક હિસ્સો ખુલી જાય છે જે આગની લપેટો જેવો જણાય છે. આનાથી અતિ સૂક્ષ્મ ન્યૂકલિઅર પાર્ટિકલ પણ નિકળે છે. આ કણ સમગ્ર ઉર્જા સાથે બ્રહ્માંડમાં ફેલાઇ જાય છે જેને સૌર તોફાન કહેવામાં આવે છે. સોલર ફલેયર પછી કોરોનલ માસ ઇજેકશન ઘટના બને છે. આ દરમિયાન સૂર્યની સપાટીથી બહાર નિકળતા આયનિત કણોમાં એક જબરદસ્ત વિસ્ફોટ થાય છે . આ દરમિયાન રસ્તામાં જે પણ ઓબ્જેકટ આવે તેને આવરી લે છે. અમેરિકાના સ્પેસ વેધર પ્રિડિકશન સેન્ટરના જણાવ્યા મુજબ તોફાન જી ૨ પ્રકારની કેટેગરીમાં આવે છે જેનાથી સેટેલાઇટને પણ નુકસાન થવાની શકયતા રહેલી છે. માસ ઇન્જકેશનથી આયનિત કણો સેટેલાઇટને પણ નુકસાન કરી શકે છે.
યૂટ્યુબમાં લાઈવ ઓટોકેપ્શન અને ઓટોટ્રાન્સલેટની સુવિધા
યુટ્યૂબ પર તમે જુદા જુદા પ્રકારના વીડિયોઝ
જોતા હશો તો તમે કદાચ નોંધ્યું હશે કે તેમાં વીડિયો ઉપરાંત વીડિયોમાં બોલાતા શબ્દો
સ્ક્રીન પર વાંચી શકાય એ માટે કેપ્શન આપવાની સુવિધા પણ હોય છે. યુટયૂબ પોતે આવા
ઓટોમેટિક કેપ્શન ઉમેરી શકે છે. તેમાં વીડિયોમાંના ઓડિયોને આપોઆપ કેપ્શનમાં
ફેરવવામાં આવે છે. આ કામ મશીનથી થતું હોવાને કારણે તથા તેમાં ઓડિયોની ક્વોલિટી, બેકગ્રાઉન્ડ
નોઇસ તથા મ્યુઝિક વગેરેની ભૂમિકા હોવાને કારણે ઓટો કેપ્શનમાં સરેરાશ ઘણી વાર ભૂલો જોવા મળે છે (આના ઉપાય તરીકે વીડિયો ક્રિએટર
પોતાની રીતે કેપ્શન ઉમેરી શકતા હોય છે).
અત્યાર સુધી યુટ્યૂબ ૧૦૦૦ હજારથી વધુ
સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલમાં અપલોડ થતા વીડિયો માટે ઓટોમેટિક લાઇવ સ્ક્રીન કેપ્શનની
સુવિધા આપતી હતી, હવે તમામ વીડિયો ક્રિએટર્સને આ સુવિધા મળવા લાગશે. એ ઉપરાંત હવે ઇંગ્લિશ સિવાય
બીજી ૧૨ ભાષાઓમાં પણ લાઇવ ઓટો કેપ્શનની સુવિધા મળશે. સ્માર્ટફોનમાંની યુટ્યૂબ
એપમાં ઓટો ટ્રાન્સલેટ ફીચર પણ ઉમેરાઈ રહ્યું છે. મતલબ કે મૂળ વીડિયોમાંનો ઓડિયો
અંગ્રેજી હોય તો પણ થોડા સમયમાં આપણે એ વીડિયોના સબ ટાઇટલ્સ હિંદી કે ગુજરાતીમાં
પણ જોઈ શકીશું!
સ્માર્ટફોનને વધુ સ્માર્ટ બનાવતી કેટલીક જાણવા જેવી બારીક ખાસિયતો
મિત્રો-પરિચિતો સાથે ટેક્નોવર્લ્ડમાંના લેખો કે જનરલ ટેક્નોલોજી વિશેની વાત
નીકળે ત્યારે સમજાય કે પોતપોતાના વાસ્તવિક જીવનમાં પૂરેપૂરા સ્માર્ટ લોકોને પણ, સ્માર્ટફોનની
સ્માર્ટનેસ ભારે પડી રહી છે! એન્ડ્રોઇડ કે એપલની સ્માર્ટફોન માટેની ઓપરેટિંગ
સિસ્ટમનાં નવાં નવાં વર્ઝન આવતાં જાય છે તેમ તેમ ફોનની સ્માર્ટનેસ હજી વધે છે અને
આપણને ગૂંચવે છે.
એટલું ચોક્કસ કે સ્માર્ટફોન બેહદ ઉપયોગી સાધન
છે. કદાચ એટલે જ તેનો ઉપયોગ અને પ્રભાવ બંને સતત વધતાં જાય છે. એટલે આપણે રોજબરોજ
એનો ઉપયોગ કરતા હોવા છતાં, સ્માર્ટફોન પોતે આપણા કામકાજનો મુખ્ય વિષય ન હોય તો તેની ઘણી નાની-મોટી બાબતો
આપણને ગૂંચવી શકે છે.
મોટા ભાગે બને એવું કે આપણે કોઈ ચોક્કસ કામ
પાર પાડવા માટે અથવા પછી અમસ્તા જ ટાઇમ પાસ કરવા માટે સ્માર્ટફોન હાથમાં લઈએ
ત્યારે આપણે સીધા સીધા વિવિધ એપમાં ઝંપલાવી દેતા હોઈએ છીએ. એ બધી એપને સંબંધિત, કેટલીક બારીક
ખૂબીઓથી આપણું કામ સહેલું, સલામત કે વધુ સ્માર્ટ બનાવતી ઓપરેટિંગ સિસ્ટમની ખાસ વિશેષતાઓ તરફ આપણંુ ધ્યાન
જતું નથી. નીચે આવી જ કેટલીક બાબતો આપી છે. અહીં વાત મુખ્યત્વે એન્ડ્રોઇડ
સ્માર્ટફોનને કેન્દ્રમાં રાખીને કરી છે, પણ એપલમાં પણ આ
કે તેના જેવી જ સુવિધા મળશે. તમને પણ સીધા એપ કે ઇન્ટરનેટમાં ખાબકવા ઉપરાંત, ફોનની વિવિધ
બાબતોમાં ઊંડા ઊતરવાની ટેવ પડશે તો ઘણું નવું જાણવા મળશે!
સ્માર્ટફોનમાં એક જ કામ કરવા માટે એકથી વધુ
રસ્તાઓ હોઈ શકે છે. સીધા ઉદાહરણથી વાત કરીએ તો, વોટ્સએપમાં
આવેલી કોઈ લિંક પર આપણે ક્લિક કરીએ ત્યારે સામાન્ય રીતે આપણને પૂછવામાં આવે છે કે
આ લિંક કઈ એપમાં ઓપન કરવી છે? ફોનમાં, જે તે ફોન
કંપનીના બ્રાઉઝર ઉપરાંત, ગૂગલ કે ફાયરફોક્સ જેવું બ્રાઉઝર આપણે ઉમેર્યું હોય ત્યારે સામાન્ય રીતે આવું
બનતું હોય છે. એક સરખું કામ કરી શકતી એકથી વધુ એપ ફોનમાં ઇન્સ્ટોલ્ડ હોય ત્યારે
આવું બને છે. અમુક ફોનમાં, કંપની તરફથી મળતા બ્રાઉઝરમાં ટર્મ્સ એન્ડ કંડિશન અપડેટ થાય, તો કોઈ લિંક
ક્લિક કરતાં, તેનું વેબપેજ એ બ્રાઉઝરમાં ઓપન કરવાનો પ્રયાસ થાય, પણ પહેલાં, પેલી નવી શરતો
સ્વીકારવાનું આપણને કહેવામાં આવે! આવી બાબતો તમને ગૂંચવતી હોય, તો કયા કામ
માટે ડિફોલ્ટ કઈ એપનો ઉપયોગ કરવો તે તમે નક્કી કરી શકો છો.
હવે લગભગ બધા ફોનમાં ડિફોલ્ટ એપ્સ નક્કી કરવા
માટેનું સેટિંગ, સેટિંગ્સમાં જોવા મળે છે. એ માટે સેટિંગ્સમાં default apps નું પેજ શોધી
કાઢો. અહીં, તમે ફોનમાં વિવિધ એક્શન લેવા માટેની એક નિશ્ચિત - ડિફોલ્ટ એપ નક્કી કરી શકશો.
એ ઉપરાંત, ચોક્કસ એક્શન લેતી વખતે આપણને કઈ એપનો ઉપયોગ કરવો છે એમ પૂછવામાં આવે, ત્યારે જ આપણે
કહી શકીએ કે આ કામ માટે હવેથી આ જ એપનો ઉપયોગ કરવો.
સ્માર્ટફોન કે લેપટોપ જેવા ડિવાઇસનો સતત વધતો
ઉપયોગ આરોગ્ય સંબંધી તકલીફો પણ ઊભી કરે છે.
આપણી આંખો રાતદિવસ સ્માર્ટફોનના સ્ક્રીનમાં
પરોવાયેલી રહેતી હોય ત્યારે તેનાં ડાર્ક થીમ આંખ માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.
અલબત્ત, આ બાબત દરેક વ્યક્તિએ વ્યક્તિએ બદલાતી હોય છે, તમને શું વધુ
અનુકૂળ આવશે એ તમારે જ નક્કી કરવું પડશે.
મૂળ વાત એટલી કે હવે વધુ ને વધુ એપ્સમાં
ડાર્ક થીમ મળવા લાગી છે. એક તો, આપણે ફોનની આખી સિસ્ટમ માટે ડાર્ક થીમ પસંદ
કરી શકીએ. એન્ડ્રોઇડમાં દસમા વર્ઝનથી આ સગવડ મળી છે. તેનો લાભ લેવા માટે તમારા
ફોનમાં સેટિંગ્સમાં Device Theme સર્ચ કરો. મોટા
ભાગે તે ડિસ્પ્લે સંબંધિત પેજમાં જોવા મળશે. અહીંથી તમે ફોનની સિસ્ટમ માટે ડાર્ક
થીમ પસંદ કરી શકો છો. ફોનના વોલપેપર મુજબ, એપ્સનાં ટાઇટલ
અને અન્ય વિગતો વાંચવા માટે જરૂરી હોય તો જ ડાર્ક થીમ ઇનેબલ થાય એવું સેટિંગ પણ
કરી શકાય. એટલું યાદ રાખશો કે ફોનમાંની અન્ય એપ્સ આપણા આ સેટિંગને અનુસરે અથવા ન
અનુસરે એવું બની શકે છે. તમને ડાર્ક થીમ અનુકૂળ આવતી હોય તો હવે ઘણી ખરી એપ તેની
સુવિધા આપે છે, તેનો લાભ લેવા જે તે એપના સેટિંગમાં જઈને તેને ઇનેબલ કરવી પડશે.
ઇન્ટરનેટ પર હવે બધી જ વાતમાં આદાન-પ્રદાન
જરૂરી થઈ ગયું છે. વાત માત્ર સોશિયલ મીડિયામાં આપણું યોગદાન આપવાની નથી. જુદી જુદી ઘણી સાઇટ્સ કે એપમાં આપણે એકાઉન્ટ
ખોલાવીએ ત્યારે આપણું નામ, એડ્રેસ, ફોન નંબર, ઇ-મેઇલ વગેરે ઘણી વિગતો આપવી પડે છે. એ જ રીતે, જેટલી સાઇટમાં
એકાઉન્ટ, એટલા પાસવર્ડ પણ ખરા! ઓનલાઇન શોપિંગ કરતી વખતે આ બધી વિગતો ઉપરાંત કાર્ડની
વિગતો પણ ટાઇપ કરવાની થાય. તમે વારંવાર ઓનલાઇન શોપિંગ કરતા હો તો તમે - તમારું
પોતાનું ધ્યાન પણ ન ગયું હોય એ રીતે - ગૂગલના તમારા એકાઉન્ટમાં તમારા ક્રેડિટ
કાર્ડની વિગતો સેવ કરી હોઈ શકે છે.
એ પછી, ઇન્ટરનેટ પર
જ્યારે આ બધી વિગતો આપવાની થાય ત્યારે તે ઓટોફિલ થઈ શકે છે. સ્માર્ટફોનમાં
સેટિંગ્સમાં Auto-fill service સર્ચ કરો. આથી
ગૂગલની આ સર્વિસનાં સેટિંગ્સ સુધી પહોંચી શકાશે. અહીંથી તમે એ પણ જાણી શકશો કે
ગૂગલના એકાઉન્ટમાં તમારી કેટલી અને કઈ વિગતો સચવાયેલી છે. અહીં ઓટો-ફિલ સુવિધા ઓન
કરશો તો ભવિષ્યમાં જ્યારે કોઈ જગ્યાએ આ બધી વિગતો આપવાની થાય ત્યારે એક ક્લિકથી
લગભગ બધી વિગતો ભરાઈ જશે. જ્યાં આ સુવિધા કામ ન કરે ત્યાં સમજવું કે ગૂગલ તે
સાઇટ/એપને ભરોસાપાત્ર ગણતી નથી.
એપલના આઇફોનમાં લાંબા સમયથી ફોન સ્ક્રીન પર
જુદી જુદી બાબતો પર જરા લાંબો સમય પ્રેસ કરતાં તેને સંબંધિત એક્શન્સ લેવાની સગવડ
હતી. પાછલા થોડા સમયથી એન્ડ્રોઇડમાં પણ આવા શોર્ટકટ્સ વધતા જાય છે.
આ સુવિધા મુજબ, કોઈ પણ એપના
આઇકન પર સામાન્ય કરતાં જરા વધુ સમય પ્રેસ કરવાથી ત્યાં જ એક નાનું મેનૂ ખુલે છે અને જુદા જુદા
પ્રકારની એકશન્સના શોર્ટકટ જોવા મળે છે.
જેમ કે ફોનમાંની કોલિંગ એપના આઇકન પર ક્લિક
કરતાં આપણે જેમને વારંવાર કોન્ટેક્ટ કરતા હોઇએ તેમનાં નામ તથા નવા કોન્ટેક્ટ સેવ
કરવા માટેના શોર્ટકટ મળી શકે છે. એ જ રીતે
જીમેઇલ એપ પર ક્લિક કરતાં તમારા જુદા જુદા જીમેઇલ એકાઉન્ટમાં જવાની સગવડ મળે છે.
તેમ જ નવો મેઇલ કંપોઝ કરવાનો શોર્ટકટ પણ મળે છે. ક્રોમ બ્રાઉઝરના આઇકન પર ક્લિક
કરતાં નવી નોર્મલ ટેબ અથવા નવી ઇનકોગ્નિટો ટેબ ઓપન કરવાના શોર્ટકટ મળશે.
તમે ટુડુઇસ્ટ જેવી ટાસ્ક મેનેજમેન્ટ એપનો
ઉપયોગ કરતા હો તો તેના આઇકન પર જરા વધુ સમય પ્રેસ કરવાથી નવું ટાસ્ક ઉમેરવું, બધાં ટાસ્કમાં
સર્ચ કરવું, આજનાં ટાસ્ક જોવાં વગેરે કામના શોર્ટકટ્સ મળશે!
તમે જેનો વધુ ઉપયોગ કરતા હો તે એપ્સ માટે આવા
શોર્ટકટ્સ શોધી જુઓ. અલબત્ત આપણને ક્યા શોર્ટકટ જોવા મળશે તેનો આધાર એ એપના ડેવલપર
પર છે. મતલબ કે એપના ડેવલપર એપના આઇકન પર જે શોર્ટકટ્સ આપે તેનો લાભ આપણને મળી શકે
છે.
હવે ફોલ્ડેબલ ફોન ખાસ્સા પોપ્યુલર થવા લાગ્યા
છે. આ પ્રકારના ફોનમાં આપણે સહેલાઈથી બે એપ અલગ અલગ સ્ક્રીન પર ઓપન કરીને બંનેમાં
કામ કરી શકીએ છીએ. તમારી પાસે ફોલ્ડેબલ ફોન ન હોય તો પણ તમે સ્ક્રીન પર એક બાજુ
વોટ્સએપ અને બીજી બાજુ જીમેઇલ જેવી એપ ઓપન કરીને એકમાંની વિગતો તપાસીને બીજામાં
કામ કરી શકો છો. ફોનનો તમે ખરેખર સ્માર્ટ ઉપયોગ કરતા હો તો આવી રીતે એક સાથે બે એપ
તપાસવી ઘણી વાર જરૂરી બની શકે છે.
એન્ડ્રોઇડમાં સ્પ્લિટ સ્ક્રીન નામની સુવિધાથી આ શક્ય બને છે તેનો લાભ લેવા
માટે ફોનમાં ઓપન જુદી જુદી એપ્સનાં બોક્સ જોવા મળે એવા મોડમાં જાઓ. હવે કોઈ એક
એપના બોક્સમાં તેમાં મથાળે જોવા મળતા એપ આઇકન પર જરા લાંબો સમય પ્રેસ કરો. એક મેનૂ
ખુલશે અને તેમાં સ્પ્લિટ સ્ક્રીનનો વિકલ્પ ક્લિક કરો. આથી મોબાઇલના સ્ક્રીન પર
ઉપરની બાજુએ એ એપ ગોઠવાઈ જશે અને તેની નીચે ફોનમાં ઓપન અન્ય એપ્સ જોવા મળશે. હવે
બીજી જે પણ એપ ઓપન રાખવી હોય તેને ફક્ત ક્લિક કરી દો. આથી સ્ક્રીનમાં ઉપર-નીચે
આપણે પસંદ કરેલી બંને એપ જોવા મળશે.
સ્ક્રીનને વર્ટિકલને બદલે હોરિઝોન્ટલ મોડમાં
રાખી શકાય. સ્પ્લિટ મોડમાંથી નોર્મલ મોડમાં જવું હોય ત્યારે બંને એપ વિન્ડો
વચ્ચેની લાઇન પર ક્લિક કરી એક એપને ઉપર કે નીચેની તરફ સ્વાઇપ કરી દો. આથી ફક્ત એક
એપ ઓપન રહેશે અને આપણે નોર્મલ એપ વ્યૂ મોડમાં આવી જઇશું.
હવે સ્કૂલો લગભગ ખૂલી ગઈ છે, પણ હજી ક્લાસ
ઓફલાઇન અને ઓનલાઇન એમ બંને રીતે ચાલી રહ્યા છે. ક્લાસ પૂરેપૂરા ઓફલાઇન થઈ જશે એ
પછી પણ વિદ્યાર્થીઓના હાથમાંથી મોબાઇલ હવે તો બિલકુલ છૂટવાના નથી! વાત અભ્યાસની
હોય કે ઓફિસના કામની, સ્માર્ટફોન જેટલા ઉપયોગી છે એટલા જ એ અવરોધરૂપ પણ છે. આપણે ગમે તેટલું મન
મક્કમ રાખીને અભ્યાસ કે કામમાં મન પરોવવાનો પ્રયાસ કરીએ, વારંવાર ફોનમાં
ટપકી પડતાં નોટિફિકેશન્સ આપણને બહુ સહેલાઈથી યુટ્યૂબ, ફેસબુક, વોટ્સએપ વગેરે
તરફ ખેંચી જાય છે, જ્યાંથી પાછા વળવું મુશ્કેલ હોય છે.
અલબત્ત, બધાં
નોટિફિકેશન્સ બિનજરૂરી હોતાં નથી. સદભાગ્યે, એન્ડ્રોઇડના
આઠમા અવતારથી જુદી જુદી એપ્સનાં જુદા જુદા પ્રકારનાં નોટિફિકેશન્સ પર આપણને ખાસ્સો
કંટ્રોલ મળ્યો છે. તેનો લાભ લેવા સેટિંગ્સમાં પેજ પર જાઓ. તેમાંથી જે તે એપના પેજ
પર જાઓ અને એ એપ તમને કેટલા પ્રકારની બાબતો માટે નોટિફિકેશન મોકલી શકે છે એ તપાસો.
અમુક, માત્ર પોતાના
કામ સાથે મતલબ રાખતી એપ્સ તરફથી બહુ ઓછા પ્રમાણમાં નોટિફિકેશન્સ મોકલાતાં હોય છે, જ્યારે યુટ્યૂબ
કે ફેસબુકમાં તમે જોશો તો ખ્યાલ આવશે આ એપ્સ, કેટકેટલી રીતે
લલચાવીને આપણને તેના તરફ ખેંચી જવા માટે તત્પર હોય છે! તમે ઇચ્છો તો આ બધાં
નોટિફિકેશન સદંતર બંધ કરી શકો અથવા તમને બિનજરૂરી લાગે એ બાબતોનાં નોટિફિકેશન બંધ
કરો. સ્માર્ટફોન પર વેડફાતો ઘણો સમય બચી જશે!
ફોલ્ડેબલ ફોન પછી હવે આવે છે રોલ કરી શકાય એવા સ્કીનવાળો ફોન
લાંબા સમયથી ગાજી રહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન ધીમે ધીમે મેઇન સ્ટ્રીમમાં આવી રહ્યા છે. આવા સ્માર્ટફોન આપણા પોતાના કે આપણા પરિચિતોના હાથમાં પણ દેખાવા લાગ્યા છે. દરમિયાન હજી વધુ એક પ્રકારનો ફોલ્ડેબલ ફોન મળવાની શક્યતા જાગી છે. આ ફોન હાલના વચ્ચેથી ગડી વાળી શકાય તેવા ફોનને બદલે વીંટો વાળી શકાય તેવા હશે! એપલ કંપનીએ રોલેબલ સ્ક્રીન એટલે કે ગોળ વીંટો કરી શકાય તેવા સ્ક્રીન માટે પેટન્ટ ફાઇલ કરી છે. આ પેટન્ટને ઇલેકટ્રોનિક ડિવાઇસીસ હેવિંગ સ્લાઇડિંગ એક્સપાન્ડેબલ ડિસ્પ્લે એવું નામ અપાયું છે.
આ પહેલાં સેમસંગ કંપનીએ વર્ષ ૨૦૧૯માં રોલિંગ
મિકેનિઝમ ધરાવતી ડિઝાઇન માટે પેટન્ટ મેળવી છે. આવી ડિઝાઇનને કારણે સ્ક્રીનને
જ્યારે અનફોલ્ડ કરવામાં આવે ત્યારે સ્ક્રીનની સાઇઝ ફોલ્ડેબલ હોય તેના કરતાં અડધો
અડધ વધારી શકાય છે. શાયોમી કંપનીએ પણ આવી પેટન્ટ મેળવી છે અને ઓપો કંપનીના
ઓપો-એક્સ ૨૦૨૧ ફોનમાં મોટરાઇઝ્ડ મિકેનિઝમથી સ્ક્રીન એક્સપાન્ડ કરવાની સુવિધા
ઓલરેડી આવી ગઈ છે! એલજી કંપની પણ આવો ફોન લાવી રહી છે. આ બધી ડિઝાઇન એપલની ડિઝાઇન
કરતાં થોડી અલગ છે.
હાલના ગડી વાળી શકાય તેવા ફોલ્ડેબલ ફોનમાં બે
ભાગ વચ્ચે હિંજિસ એટલે કે મિજાગરાં રાખવા પડે છે અને તે ફૂલ સ્ક્રીન વ્યૂઇંગમાં
અવરોધ ઊભો કરે છે. લાંબા ગાળે તેમાં ઘસારા કે નુકસાનની શક્યતા પણ રહે છે. રોલ કરી
શકાય તેવા સ્ક્રીનમાં આ બધી તકલીફો રહેતી નથી.
જોકે એપલનો આવો
રોલ કરી શકાય તેવો આઇફોન ૨૦૨૪ પહેલાં માર્કેટમાં આવે તેવી શક્યતા નથી.
એર પ્યૂરી ફાયર ટાવરનો પ્રથમ વિચાર નેધરલેન્ડના ડેન રોજગાર્ટરને આવ્યો હતો
આ સ્મોગ ટાવર પોતાની આસપાસ રહેલી પ્રદૂષિત હવાનો કણોનો શોષી લે છે
વાયુ પ્રદૂષણને નાથવા ભવિષ્યમાં દરેક શહેરોમાં એર પ્યૂરી ફાયરની જરુરી બનશે
નવી દિલ્હી,૧૭,નવેમ્બર,૨૦૨૧,બુધવાર
જેમ પાણીને શુધ્ધ કરવા વોટર પ્યૂરીફાયર ટેકનીક છે તેમ પ્રદૂષિત હવાને શુધ્ધ રાખવા દુનિયામાં એર પ્યૂરીફાયર ટાવર ટેકનીક વિકસી રહી છે.એક પ્યૂરી ફાયર એક ડિવાઇસ છે જેને સ્મોગ ટાવર પણ કહેવામાં આવે છે. ૨૦૧૪માં એર પ્યૂરી ફાય ટાવર સ્થાપવાનો પ્રથમ વિચાર નેધરલેન્ડના ડેન રોજગાર્ટરને આવ્યો હતો. તેઓ ચીનના બેઇજિંગ શહેરમાં હતા ત્યારે હોટલની બાહર પોતાને ધૂમાડા સિવાય કશું જ દેખાતું ન હતું. રોડ પર પ્રદૂષણ ઓકતી ગાડીઓ જોઇને વ્યથિત થયા હતા. ડેન રોજગાર્ટર નેધરલેન્ડ પાછા ફર્યા ત્યારે વૈજ્ઞાનિકો અને એન્જીનિયરોની મદદ લઇને દુનિયાનો પ્રથમ વેકયૂમ કલીનર (સ્મોગ ટાવર) તૈયાર કર્યો હતો.
આ સ્મોગ ટાવર પોતાની આસપાસ રહેલી પ્રદૂષિત હવાનો કણોનો શોષી લે છે એટલું જ નહી તે વાતાવરણમાં શુધ્ધ હવા પણ છોડે છે. મધ્યમ કક્ષાનો ટાવર ૧૦ કલાકમાં ૧૦ યૂનિટ વીજળી વપરાય છે. આમાં સૌથી મોટી સમસ્યા ફિલ્ટર બદલવાની થાય છે.અતિ પ્રદૂષણ હોય ત્યારે માત્ર ૪ થી ૬ કલાકમાં જ ફિલ્ટર નકામું થઇ જાય છે. ટાવર પ્રદૂષિત હવાને કેટલા પ્રમાણમાં શુધ્ધ કરશે તેનો આધાર ટાવરની સાઇઝ અને ઉંચાઇ પર રહેલો છે. તેનો ખર્ચ ૧ કરોડથી માંડીને ૧૪ કરોડ આસપાસ થાય છે. ૨૦૧૬માં ચીનમાં ૭ મીટર લાંબો ટાવર લગાવવામાં આવ્યો હતો જે ૧ કલાકમાં ૨૯૦૦૦ ઘન મીટર જેટલી હવા શુધ્ધ કરતો હતો.
ત્યાર પછી ચીનમાં ૧૦૦ મીટર ઉંચાઇ ધરાવતા એર પ્યૂરી ફાયર ટાવર બેઇજિંગમાં લગાવવામાં આવ્યા હતા જે ૧૬૦ લાખ ઘન મીટર જેટલી હવા શુધ્ધ કરતા હતા. ત્યાર પછી તિયાંજીત અને ક્રોકોમાં પણ લગાવવામાં આવ્યા હતા. પ્રદૂષણનો ભોગ ભનેલા દિલ્હીવાસીઓ વધતા જતા વાયુ પ્રદૂષણથી દુષિત હવામાં શ્વાસ લેવા મજબૂર બન્યા છે ત્યારે અગાઉ આઇટીઓ ચોક વિસ્તારમાં ૪૦ ફૂટ ઉંચાઇ ધરાવતો વાયુ નામનો એર ફયૂરીફાયર પાયલોટ પ્રોજેકટ હેઠળ ટાવર લગાવવામાં આવ્યો હતો.જે ૩ કિમી સુધીના વિસ્તારમાં ૭૫૦૦૦ લોકોને શુધ્ધ હવા આપવા સક્ષમ હતો. આ પ્રકારના હવા શુધ્ધ કરતા ઉપકરણ ઇન્સ્ટોલ કરવાની શકયતા કેટલી છે તેના પર વિચાર કરવો જરુરી છે.
આર્કટિક બરફના છેલ્લા સ્તરમાં 100 કિ.મી. લાંબો ખાડો વિશ્વ માટે ભયજનક
વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
અગાઉ 1988 અને 2004માં પણ આવો જ ખાડો પડી ચૂક્યો છે
ટોરંટો: કેનેડાની ઉત્તરે આર્કટિકના સૌથી મોટા અને સૌથી જૂના બરફના પડ પર ગયા વર્ષે મેમાં મોટો ખાડો પડયો. વૈજ્ઞાાનિક તેને વિશ્વ માટે ખતરનાક સંકેત માને છે. તેમનું માનવું છે કે તેના કારણે વિશ્વનૌ સૌથી મોટો બરફનો જથ્થો ધરાવતી પડમાં તિરાડો દેખાઈ છે. હવે તે જ્યારે તૂટીને પીગળશે ત્યારે વિશ્વનું જળસ્તર વધવાનો ભય છે.
કેનેડાના એલ્સમેયર આઇલેન્ડના ઉત્તરમાં સ્થિત બરફના સદીઓ જૂના પડમાં મે 2020માં ધ પોલીનીયા દેખાયો હતો. આનો અર્થ એમ થાય કે તેમા મોટો છેદ કે ખુલ્લા પાણીના સંકેત મળ્યા હતા. તેના અંગે તાજેતરમાં જ જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સમાં અભ્યાસ પ્રકાશિત કરાયો હતો. તેના સંશોધકોએ જણાવ્યું હતું કે 1988 અને 2004માં પણ ધ પોલીનીયા દેખાયો હતો.
યુનિવર્સિટી ઓફ ટોરંટો મિસિસાગુઆના આર્કટિક રિસર્ચર કેન્ટ મૂરે જણાવ્યું હતું કે એલ્સમેર આઇલેન્ડના ઉત્તરમાં બરફનું પડ એટલું મોટું છે કે તેમા આ પ્રકારના મોટા ખાડાની અસર ન થઈ શકે, તેને તોડવું અશક્ય છે. પણ આ પહેલા આ વિસ્તારમાં ક્યારેય આટલો મોટો ખાડો દેખાયો ન હતો. તે ઘણો મોટો હતો. તેના લીધે બરફમાં તિરાડ પડી રહી છે. તેનાથી અત્યંત પ્રાચીન અને બરફના સૌથી મોટા પડ પર અસર પડી રહી છે.
એલ્સમેયર આઇલેન્ડની જોડે આર્કટિક બરફનું પડ 13 ફૂટ મોટું છે. આ બરફના પડની ઉંમર પાંચ વર્ષ છે. તે દર પાંચ વર્ષે પીગળે છે અને પાછું હતું તેવું થઈ જાય છે, પરંતુ ઉત્તરી ધ્રુવમાં વધતા તાપમાનના લીધે હવે આર્કટિકની બરફના અંતિમ પડ પર પણ ભય સર્જાયો છે. મે 2020માં બરફના અંતિમ પડનો હિસ્સો જે વાન્ડેલ સાગરમાં છે તેમાથી અડધો હિસ્સો ગુમાવ્યો હતો. તેના અંગેનો અહેવાલ જુલાઈ 2021માં પ્રકાશિત કરાયો હતો.
આ પ્રકારનો છેદ કે ખાડો તોફાનોના લીધે બને છે. આવું ત્યારે થાય છે જ્યારે હવાનો જોરદાર મારો બરફને અલગ પાડવાનો પ્રયાસ કરે છે. મે 2020માં એલ્સમેયર આઇલેન્ડના ઉત્તરમાં ભયાનક તોફાન આવ્યું હતું. તેના પછી 14 મે 2020માં બરફના પડમાં તિરાડ દેખાઈ હતી. સેટેલાઇટથી લેવામાં આવેલા ફોટામાં એક મોટો પોલીનિયા કે ખાડો પણ દેખાયો આ ખાડો 100 કિ.મી. લાંબો અને 30 કિલોમીટર પહોળો છે. પણ ૨૬મે સુધી આ ખાડો બંધ થઈ ગયો હતો અને તે કેવી રીતે બંધ થયો તે વૈજ્ઞાનિકોની સમજની બહાર છે.
સંશોધકોએ તેના પગલે જૂના ડેટા તપાસવા માંડયો. તેના પગલે તેમને ખબર પડી કે મે 1988માં પણ આવો જ ખાડો પડયો હતો. તેના પછી 2004માં પણ આવો ખાડો જોવા મળ્યો હતો. આ વર્ષે તોફાન તેજ હતું, હવા ભીષણ હતી છતાં પણ ખાડો 1988ની તુલનાએ નાનો હતો. પણ 2020નો ખાડો બધા કરતાં મોટો હતો. તેનું કારણ એ છે કે 2004 પછી 2020 સુધીમાં આર્કટિક બરફનું પડ પાતળું થઈ ગયું છે. આમ હવે હવાનો પ્રવાહ ભારે ન હોય તો પણ તે બરફના આ પડમાં ખાડો પાડી શકે છે.
શું વૈજ્ઞાનિકોએ તાપમાનના પારાને માઇનસ ૨૭૩.૧૫ ડિગ્રી સુધી પહોંચાડયો ?
આ તાપમાને કોઇ પણ વસ્તુ વધુમાં વધુ ૧૭ સેકન્ડ સુધી જ સર્વાઇવ કરી શકે છે
માઇનસ ૨૭૨ તાપમાન માપવામાં એક કેલ્વિન થાય છે
ન્યૂયોર્ક,૧૯ ઓકટોબર,૨૦૨૧,મંગળવાર
એન્ટાર્કટિકામાં વોસ્તોક નામનું સ્થળ છે જે દુનિયામાં સૌથી વધું ઠંડી પડે છે. તાપમાન માઇનસ ૮૯ ડિગ્રી સુધી પહોંચી જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર વૈજ્ઞાાનિકોએ સૌથી ઓછા તાપમાનનો રેકોર્ડ તોડીને પારાને માઇનસ ૨૭૩.૧૫ ડિગ્રી સુધી પહોંચાડયો છે. આ વર્ક જમીનથી ૩૯૩ ફુટ નીચે એક ટાવરમાં કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાાનિકોનો દાવો છે કે માઇનસ ૨૭૩.૧૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોઇ પણ વસ્તુ વધુમાં વધુ ૧૭ સેકન્ડ સુધી સર્વાઇવ કરી શકે છે ત્યાર પછી તે ભાર હિનતાની સ્થિતિમાં આવી જાય છે. આ તાપમાનનો સૌથી મોટો ફાયદો એ થશે કે ભવિષ્યમાં એક દિવસ વૈજ્ઞાાનિકો કવાંટમ કમ્પ્યૂટર્સ બનાવવાનો પ્રયત્ન કરી શકે છે.
આ પરીક્ષણ માટે વૈજ્ઞાાનિકોએ હેરતઅંગેજ રુબિડિયમ ગેસના એક લાખ એટોમિક કણોને એક વેક્યૂમ ચેમ્બરમાં બંધ કર્યા હતા જેમાં ચુંબકિય પ્રવાહ હતો.ત્યાર પછી ચેંબરને ઠંડી પાડવાની શરુઆત કરી. આ સંપૂર્ણ જીરોની અવસ્થા હતી. આ જ સમયે તાપમાન ૨૭૩.૧૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. બ્રહ્માંડમાં બૂમરેંગ નેબુલા નામનું એક સ્થળ છે. સેંટોરેસ નક્ષત્રમાં આવેલું અને પૃથ્વીથી ૫ હજાર પ્રકાશ વર્ષ દૂર છે. આ સ્થળે સરેરાશ તાપમાન માઇનસ ૨૭૨ ડિગ્રી સેલ્સિસિયસ રહે છે. ૨૭૨ એટલે એક કેલ્વિન થાય છે. જો કે માણસની ઓછામાં ઓછા તાપમાનની જાણકારી મુજબ આ સ્થળ હવે પૃથ્વી પર તૈયાર કરી શકાયું છે. જર્મનીના કેટલાક વૈજ્ઞાાનિકો બોસ - આઇન્સ્ટાઇન કોન્ડેસેટ કવાંટમ પ્રોપર્ટીની તપાસ કરી રહયા હતા.બોસ આઇન્સ્ટાઇન કોન્ડેસેટમને પદાર્થનો પાંચમો સ્ટેટ પણ કહેવામાં આવે છે. આ માત્ર અત્યંત ઠંડી પરીસ્થિતિમાં જોવા મળતો ગેસીય પદાર્થ છે. બોસ કોન્ડેસેટમાં કોઇ પણ વસ્તુ પોતાને એક મોટા એટમ સ્વરુપે પ્રસ્તુત કરે છે.
આ એક એવી અત્યંત કોલ્ડ સિચ્યુએશન છે જેમાં હાડકા પણ ઓગળી જાય છે. તાપમાન કોઇ પણ નાન કણના કંપનને માપવાનો તરીકો છે. જેટલા કંપન વધારે એટલું જ તાપમાન વધારે હોય છે. જેવું તાપમાન ઓછુ થઇ જાય કે તરત જ કંપન ઓછા થઇ જાય છે. માઇનસ ૨૭૩.૧૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાનને માપવા માટે વૈજ્ઞાાનિકોએ કેલ્વિન સ્કેલ તૈયાર કર્યુ હતું. કેલ્વિનનો મતલબ સંપૂર્ણ જીરો એવો થાય છે. કેલ્વિન અવસ્થામાં મોલિક્યૂલર સ્તરે ગતિ ખતમ થઇ જાય છે. આમ પણ તાપમાન જેવું જીરોની નજીક પહોંચે ત્યારે પ્રકાસ તરલ પદાર્થના સ્વરુપમાં દેખાવા લાગે છે. તેને તમે કન્ટેનરમાં બંધ કરી શકો છો. સુપરકુલ્ડ હીલિયમ કમ તાપમાનમાં ઘર્ષણ છોડી દે છે. નાસાએ પણ કોલ્ડ એટમ લેબમાં એ તપાસેલું છે કે એક સાથે બે એટમનો જન્મ પણ થાય છે.
વિવિધ ડોક્યુમેન્ટ્સને ક્રોપ કરવાનો સહેલો રસ્તો અજમાવી જુઓ
સ્માર્ટફોન મળ્યા પછી આપણાં અનેક કામ ઘણાં સહેલાં બની ગયાં છે, જેમાંનું એક કામ છે ડોક્યુમેન્ટ સ્કેન કરવાનું કામ! આમ તો, કેમસ્કેનર એપ આ માટે સૌથી સારું પરિણામ આપતી હતી. તેની મદદથી કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટનો ફોટો લીધા પછી, આપણે ફોટો લેવામાં કેમેરા ત્રાંસો રાખવાની ભૂલ કરી હોય તો એપ પોતે ઇમેજનો પરસ્પેક્ટિવ સુધારી આપતી હતી અને તેનું એવું પરિણામ આપતી હતી કે સારા, નવાનક્કોર ઝેરોક્સ મશીન પર કોપી મેળવ્યા જેવો આનંદ થાય!
પરંતુ થોડા સમય પહેલાં આ એપની સાથે માલવેર
આપણા ફોનમાં ઘૂસી જતાં હોવાનું બહાર આવ્યા પછી લોકોનો તેના પરનો વિશ્વાસ ડગી ગયો.
પછી તો, અન્ય ચાઇનીઝ એપ્સ સાથે સ્કેનર પર પણ પ્રતિબંધ મૂકાઈ ગયો.
હવેના સમયમાં જો તમે તમારા ડોક્યુમેન્ટ્સને
ડિજિટલ સ્વરૂપ આપવા માટે કોઈ સારી એપ શોધી રહ્યા હો તો એ કામ એડોબ કંપનીની એપ અને
ગૂગલ ડ્રાઇવમાંના સ્કેનરની મદદ કરી શકાય છે. એ ઉપરાંત, તમે ગૂગલ ફોટોઝ
એપ પર પણ હાથ અજમાવી શકો છો.
આમ તો, આ એપ પારિવારિક
ફોટોઝ સાચવવા માટે ગજબની કામની છે, પણ તમે ઇચ્છો
તો તેમાં રોજિંદાં બિલ્સ, રિસિપ્ટ્સ વગેરેની ડિજિટલ ઇમેજ પણ સાચવી શકો છો. આવાં ડોક્યુમેન્ટ્સ માત્ર
ડિજિટલ સ્વરૂપે સાચવવાની વાત હોય તો તેની ઇમેજ લઈને ફોટોઝ એપમાં સ્ટોર કરી લેવાથી
વિશેષ કશું કરવાનું નથી, પણ જો તેની પ્રિન્ટ પણ લેવાની હોય તો તેના બિનજરૂરી ભાગ દૂર કરવા માટે તેને
ક્રોપ કરવાની જરૂર ઊભી થઈ શકે છે.
ગૂગલ ફોટોઝ એપના લેટેસ્ટ વર્ઝનથી તેમાં
ફોટોગ્રાફ (પછી તે ડોક્યુમેન્ટની ઇમેજ હોય કે બીજી કોઈ પણ) ક્રોપ કરવાની સગવડ
ઉમેરાઈ છે. આમ તો કોઈ પણ ફોટો સિલેક્ટ કરી, એડિટ મોડમાં
જતાં તેને ક્રોપ કરવાની સગવડ હતી જ, પણ તેમાં માત્ર
સીધી રેખામાં ફોટોને ક્રોપ કરી શકાતો હતો, હવે આપણે
ઇચ્છીએ તે રીતે તેને ક્રોપ કરવાની સગવડ મળી છે.
આ માટે, કોઈ પણ ફોટો
સિલેક્ટ કરી, એડિટ મોડમાં જતાં, શક્ય છે કે તમને નીચે જમણી તરફ એક બ્લુ બટનમાં ક્રોપની સુવિધા ઉમેરાઈ હોવાની
જાણ કરવામાં આવશે. એવી સૂચના ન મળે, તો પણ નવ
ડોટ્સના આઇકન પર ક્લિક કરો. હવે તમે ક્રોપ ડોક્યુમેન્ટનું એક્સ્ટેન્શન જોવા મળી શકે છે (ન મળે તો
એપ અપડેટ કરો!).
આ એક્સ્ટેન્શન સિલેક્ટ કરતાં, આખી ઇમેજના
ચારેય ખૂણે ચાર ડોટ્સ જોવા મળશે. કોઈ પણ ડોટને ડ્રેગ કરીને ચાહો તે રીતે ઇમેજને
ક્રોપ કરો. ક્રોપિંગમાં ચોક્સાઈ ઉમેરવા માટે, એક વર્તુળમાં
આપણા ક્રોપિંગ ડોટનો ઝૂમ કરેલો ભાગ જોવા મળશે. અથવા નીચેનું ઓટો બટન પ્રેસ કરીને સિસ્ટમને તેની મરજી મુજબનું
ક્રોપિંગ કરવા દો. આ પછી ડન બટન ક્લિક કરતાં, ગૂગલ આપણે
ક્રોપ કરેલી ઇમેજની કોપી સાચવી લેશે, આપણે માત્ર ઉપર સેવ બટન ક્લિક કરવાનું રહેશે.
ફોટોઝ એપમાં ડોક્યુમેન્ટ્સનું એક આલબમ બનાવી
લેશો તો જોઈતાં ડોક્યુમેન્ટસ સર્ચ કરવાં સહેલાં બનશે. તમે ઇચ્છો તો
ડોક્યુમેન્ટમાંનો કોઈ પણ શબ્દ સર્ચ કરી જુઓ, એપ તમને એ શબ્દ
ધરાવતી ઇમેજ શોધી આપશે!
જાણો, આધુનિક દુનિયાનું બ્રહ્માસ્ત્ર ગણાતી હાઇપર સોનિક મિસાઇલ શું છે ?
હાઇપર સોનિક મિસાઇલો અવાજ કરતા પાંચ ગણી ઝડપે ત્રાટકે છે
ચીને હાઇપર સોનિક મિસાઇલનું પરીક્ષણ કરીને ટેન્શન વધાર્યુ છે
ચીને હમણાં અંતરિક્ષમાંથી પૃથ્વી પર ગમે ત્યાં પરમાણુ હુમલો કરી શકાય તેવી હાઇપર સોનિક મિસાઇલ ટેકનિકનું પરીક્ષણ કર્યુ હોવાનું બહાર આવ્યું હતું. વિસ્તારવાદી ખંધા ચીનની આ ચાલાકીને કારણે દુનિયામાં નવેસરથી ઘાતક હથિયારોની દોડ શરુ થઇ રહી છે. ચીને પહેલા તો લોંગ માર્ચ રોકેટની મદદથી પરમાણુ ક્ષમતાથી લેંસ હાઇપર સોનિક મિસાઇલને પૃથ્વીની નિચેલી કક્ષામાં મોકલી હતી. ત્યાર પછી મિસાઇલે પૃથ્વીનું ભ્રમણ કરવાનું શરુ કરીને નિશાન તાકયું હતું. ચીને તો તેના આ પરીક્ષણની દુનિયાને જાણ થવા દીધી ન હતી પરંતુ અમેરિકાના જાસુસી તંત્રએ ગત ઓગસ્ટ મહિનામા ચીને પરીક્ષણ કર્યુ હોવાનું શોધી કાઢયું. અંતરીક્ષમાંથી હુમલો થઇ શકે તેવી હાઇપર સોનિક ટેકનિક ભલે હજુ પ્રયોગ અવસ્થામાં હોય પરંતુ ચીન જો સફળ થશે તો દુનિયા માટે ચિંતાનો વિષય છે કારણ કે વિસ્તારવાદી ચીનની મહત્વકાંક્ષા દુનિયા આખી જાણે છે.
અમેરિકા ખુદ ચીનની આ હરકતથી ટેન્શનમાં છે. અમેરિકા,રશિયા પાસે આવી ટેકનિક છે પરંતુ તેઓ આધુનિક સમયમાં બ્રહ્માંસ્ત ગણાતી મિસાઇલ નિર્માણથી દૂર રહેતા હતા. ચીને હવે સળી કરી છે ત્યારે હાઇપર સોનિક મિસાઇલ તૈયાર કરવાની મહત્વકાંક્ષા જાગે તે સ્વભાવિક છે. પહેલા તો આધુનિક દુનિયાનું બ્રહ્માસ્ત્ર ગણાતી હાઇપર સોનિક મિસાઇલ શું છે એ સમજવું જરુરી છે. હાઇપર સોનિક મિસાઇલો અવાજ કરતા પાંચ ગણી ઝડપે ત્રાટકે છે વળી તે અંતરીક્ષમાંથી સીધી લક્ષ્ય તરફ આવતી હોવાથી તેને પરંપરાગત મિસાઇલની જેમ રડારથી આંતરી કે જોઇ શકાતી નથી. રશિયા અને અમેરિકા પાસે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. રશિયા તો એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ માટે ખૂબ ગૌરવ ધરાવે છે પરંતુ અંતરિક્ષમાંથી અવાજ કરતા પાંચ ગણી ઝડપે થતો બિન પરંપરાગત મિસાઇલ હુમલા સામે રક્ષણ આપી શકે નહી.
જો કે રશિયા એસ-૫૦૦ ડિફેન્સ સિસ્ટમ વિકસાવી રહયું છે જે અંતરિક્ષમાંથી ત્રાટકતી હાઇપર સોનિક મિસાઇલ સામે પણ રક્ષણ આપશે એવો દાવો કરવામાં આવે છે. સત્ય વાત એ છે કે દુનિયામાં હાલમાં એવી કોઇ એર ડિફેન્સ સિસ્ટમ નથી જે અંતરિક્ષમાંથી છોડાતી મિસાઇલને ટ્રેક કરી શકે. ચીન જે હાઇપર સોનિક મિસાઇલ પાછળ પડયું છે તેના માટે બેલેસ્ટિક ટ્રેકની પણ જરુર પડતી નથી, પૃથ્વીના ઉત્તરી અને દક્ષિણી ભાગ પરથી એક સરખી રીતે હુમલો કરી શકાય છે. ચીનમાંથી પ્રેરણા લઇને રશિયા, ઉત્તર કોરિયા કે અમેરિકા હવે બેસી રહેવાના નથી. આથી ચીનના પાપે દુનિયામાં હાઇપર સોનિક મિસાઇલોના પરીક્ષણનો યુગ શરુ થશે. ચીનના હાઇપર સોનિક મિસાઇલની ઘેલછાએ દુનિયામાં શકિત સંતુલન બગાડયું છે. ચીન એક એર શોનું આયોજન કરી રહયું છે જેમાં ૧૫૦ ફાઇટર પ્લેન, હેલિકોપ્ટર, ડ્રોન, મિસાઇલ અને વિવિધ હથિયારોનું પ્રદર્શન કરવાનું છે. જેમાંના ઘણા હથિયારો એવા છે જેને દુનિયા પ્રથમ વાર જ જોશે. પ્રાપ્ત માહિતી મુજબ એજી ૬૦૦ સી પ્લેનના પ્રોટો ટાઇપના પ્રદર્શનની પણ યોજના છે.
આટલા મોટા કદના અને ખાસિયત ધરાવતા સી પ્લેન ખૂબ ઓછા દેશો ધરાવે છે. હાઇપર સોનિક ટેકનિકે અમેરિકા કરતા પણ ભારતને વધારે ખતરો પેદા કર્યો છે. ચીન ભારતનું પાડોશી દેશ છે અને દાયકાઓથી સરહદી મામલે દુશ્મનાવટ ધરાવે છે. ભારતે પણ સમયને પારખીને હાઇપર સોનિક મિસાઇલ ટેકનિકના સંશોધનમાં કમર કસી છે. અમેરિકા,રશિયા અને ચીન પછી ભારત માત્ર ચોથો દેશ છે જે આ ટેકનિકમાં આગળ છે. એક માહિતી મુજબ ભારતનું ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન આવનારા પાંચ વર્ષમાં સ્ક્રેમજેટ એન્જીન સાથે હાઇપરસોનિક મિસાઇલ તૈયાર કરી શકશે. ભારત નેકસ્ટ જનરેશનના હાઇપરસોનિક મિસાઇલ માટે ડીઆરડીઓ અને રશિયાની એજ્ન્સી સાથે ભાગીદારીથી કામ કરી રહયું છે.
ગૂગલ ડોક્સની ખાસિયતો જાણીએ
કમ્પ્યૂટર પર કામ કરતા લોકોનો વર્ષોથી માઇક્રોસોફ્ટના વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટ જેવા પ્રોગ્રામ્સ સાથે ગાઢ નાતો રહ્યો છે. પંદર વર્ષ પહેલાં, ૨૦૦૬માં ગૂગલે ડોક્સ, શીટ્સ અને સ્લાઇડ્સ નામના વેબ પ્રોગ્રામ રજૂ કરીને માઇક્રોસોફ્ટનો ઇજારો તોડવાની શરૂઆત કરી. માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ છેક ૧૯૮૩માં લોન્ચ થયો હતો, પણ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કમ્પ્યૂટરમાંના લોકલ પ્રોગ્રામ તરીકે સીમિત રહ્યો. તેની સામે ગૂગલે પહેલાં પીસીના બ્રાઉઝરમાં અને પછી સ્માર્ટફોનમાંની એપ્સ તરીકે માઇક્રોસોફ્ટ ઓફિસ જેવા જ પ્રોગ્રામ આપ્યા. આ પ્રોગ્રામ્સમાં માઇક્રોસોફ્ટ જેટલાં ફીચર્સ નહોતાં અને હજી નથી, છતાં એ જ તેનું જમા પાસું પૂરવાર થયું. ઉપયોગમાં સરળ, ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય અને એક જ ફાઇલ પર એક સાથે કામ કરવાની સગવડ લોકોને જચી ગઈ.
આ વર્ષે ગૂગલ ડોક્સને પંદર વર્ષ થયાં એ
નિમિત્તે તેનાં કેટલાંક ખાસ પાસાંની વાત કરીએ. તમારી પાસે ગૂગલનું ફ્રી એકાઉન્ટ
હોય તો docs.google.com અથવા drive.google.com પર જઈને ડોક્સ ફાઇલમાં કામ શરૂ કરી શકો છો.
સ્માર્ટફોનમાં ડોક ફાઇલ્સ ફક્ત ઓપન કરવી હોય તો ડ્રાઇવ એપથી કામ ચાલી જશે, ફાઇલ્સ એડિટ પણ
કરવી હોય તો તેની અલગ એપ ઇન્સ્ટોલ કરવી પડશે.
હવે માઇક્રોસોફ્ટ પણ આ જ પ્રકારે ઓનલાઇન, કોલાબોરેટિવ
વર્કની સુવિધા આપે છે, પરંતુ ઓનલાઇન ઓફિસ પ્રોગ્રામ્સની રેસમાં અત્યારે તો ગૂગલ આગળ છે - તેનું સૌથી
મોટું કારણ એન્ડ્રોઇડની જબરી લોકપ્રિયતા અને ફ્રી એકાઉન્ટમાં પણ કુલ ૧૫ જીબીની
સ્પેસ છે. અહીં આપેલી ગૂગલ ડોક્સની ખાસિયતો હીમશીલાની ટોચ જેવી છે, ઊંડા ઊતરશો તેમ
વધુ મજા આવશે!
ગૂગલ ડોક્સ માઇક્રોસોફ્ટ વર્ડ સાથે એકદમ સુસંગત છે. આપણી વર્ડ ફાઇલ્સ ગૂગલ ડ્રાઇવમાં અપલોડ કરી, એ જ ફોર્મેટમાં અથવા ગૂગલ ડોક તરીકે એડિટ કરી શકાય. ઇમેઇલમાં આવેલ વર્ડ ફાઇલને ડાઇરેક્ટ ડોકમાં ઓપન કરીને એડિટ કરી શકાય. કામ પૂરું થઈ જાય એ પછી અન્ય લોકોને માઇક્રોસોફ્ટ વર્ડ ફાઇલ તરીકે મેઇલ કરી શકાય કે વર્ડના ફોર્મેટમાં ડાઉનલોડ પણ કરી શકાય.
કમ્પ્યૂટરમાં સતત સારું ઇન્ટરનેટ કનેક્શન મળતું હોય તો વર્ડનો આ મજબૂત હરીફ છે. કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્ક ફેઇલ થાય તો ફાઇલ્સ ગુમાવવાનો ભય છે, આમાં બધું ક્લાઉડમાં સ્ટોર થતું હોવાથી એ ચિંતા નથી. ગૂગલ ડ્રાઇવ ફોર ડેસ્કટોપ નામના ફ્રી સોફ્ટવેરથી કમ્પ્યૂટરમાંના ફોલ્ડર્સને ક્લાઉડમાં સિંક્ડ રાખી શકાય. બધી જ ફાઇલ, લેપટોપ/ફોન ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય.
તમારા લેપટોપમાં ઇન્ટરનેટ કનેક્શન ન હોય ત્યારે પણ ગૂગલ ડોક્સ ફાઇલ્સ ઓપન કરી શકાય અને તેને એડિટ પણ કરી શકાય. એ માટે, તમારા લેપટોપમાં નેટ કનેક્શન ચાલુ હોય ત્યારે કેટલાંક સેટિંગ્સ કરવાં પડશે તથા ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો જ ઉપયોગ કરવો પડશે. મોબાઇલમાં આ કામ વધુ સહેલું છે, તમે ઇચ્છો તે ફાઇલને ઓફલાઇન ઉપયોગ માટે ડાઉનલોડ કરી શકો છો.
ગૂગલ ડોકનું સૌથી મોટું જમા પાસું તેની ફાઇલ્સનું શેરિંગ છે. એક પ્રોજેક્ટ પર કામ કરતી આખી ટીમ, એક જ ગૂગલ ડોક એકમેક સાથે શેર કરીને તેના પર એક સાથે કામ કરી શકે છે. ફાઇલમાં કોણ, ક્યાં કામ કરી રહ્યું છે એ અન્ય વ્યક્તિઓ જોઈ શકે. ફાઇલ શેર કરતી વખતે અન્ય વ્યક્તિને કેટલા કંટ્રોલ આપવા તે ફાઇલ ઓપન કરનાર ઓનર નક્કી કરી શકે છે.
ગૂગલ ડોક્સમાં કમેન્ટિંગ સિસ્ટમ પહેલેથી સામેલ છે. આથી એક ફાઇલ પર જુદા જુદા લોકો કામ કરી રહ્યા હોય અથવા ટીમે કામ કરી લીધા પછી ટીમ લીડર ફાઇલ ચેક કરી રહ્યા હોય ત્યારે ફાઇલમાં કોઈ પણ સ્થળે પોતાની કમેન્ટ ઉમેરી શકે છે, જેનો અન્ય લોકો જવાબ વાળી શકે છે. ફાઇલની બાજુમાં આવી આખી કમેન્ટ હિસ્ટ્રી જોવા મળે છે.
એક જ ફાઇલ પર એકથી વધુ લોકો કામ કરતા હોય, તો ગૂંચવણ ન થાય? એવું કેમ ન થાય એ સમજવા માટે આપણે કોઈ ફાઇલ પર સાથે કામ કરવું રહ્યું! એ ઉપરાંત, ડોક્સમાં દરેક ફાઇલમાં થયેલા ફેરફારોની લાંબી હિસ્ટ્રી જળવાઈ રહે છે. આપણે ઇચ્છીએ ત્યારે આ રીવિઝન તપાસી, કોઈ પણ ફેરફારોના તબક્કા સુધી પરત જઈને, ફાઇલને એ તબક્કા સુધી રીસ્ટોર કરી શકીએ છીએ!
માઇક્રોસોફ્ટ વર્ડમાં સ્પેલિંગ, ગ્રામર ચેકિંગ, થિસોરસ વગેરે બહુ મોટાં જમા પાસાં છે, પરંતુ આ બાબતે પણ ગૂગલ ડોક બિલકુલ પાછળ નથી. તેમાં ગૂગલ ડિક્શનરીથી સ્પેલ ચેકિંગની સારી સગવડ છે, તેમ અગાઉ આપણે જેની વિગતવાર વાત કરી છે તે ગ્રામરલી જેવા એક્સ્ટેન્શનનો ઉપયોગ કરીએ તો તેની મદદથી પણ ડોક્યુમેન્ટને સ્પેલિંગ અને ગ્રામરની દૃષ્ટિએ સારી રીતે તપાસી શકાય.
આ જમા પાસાં સામે ડોક્સની મર્યાદાઓ પણ છે. જો તમે વર્ડ પ્રોસેસિંગના પાવર યૂઝર હો તો તે માઇક્રોસોફ્ટ વર્ડ જેટલું ફીચર રીચ નથી. ઉપરાંત તેમાં માત્ર યુનિકોડ ફોન્ટ ચાલી શકે છે. તમે સ્થાનિક ભાષાના કોઈ ફ્રી કે પેઇડ સોફ્ટવેરના ફોન્ટનો ઉપયોગ કરી રહ્યા હો તો તે ગૂગલ ડોક્સમાં ચાલશે નહીં. આટલું જતું કરી શકો તો તમે વર્ડને બદલે ગૂગલ ડોક્સથી કામ સહેલાઈથી કામ ચલાવી શકો!
તમારો લિંક્ડઇન પ્રોફાઈલ વધુ લોકો સુધી પહોંચાડો
કોરોના પછીના સમયગાળામાં નોકરી સ્વેચ્છાએ કે ધરાર બદલવાનું પ્રમાણ વધ્યું છે. ટેકનોવર્લ્ડમાં આપણે અગાઉ પ્રોફેશનલ્સ માટેના નેટવર્ક લિંક્ડઇન વિશે અવારનવાર વાત કરી છે. અન્ય સોશિયલ મીડિયાની સરખામણીમાં લિંક્ડઇન પરનું નેટવર્કિંગ નવી નોકરી શોધતા સ્ટુડન્ટ્સ કે સારી નોકરી શોધતા પ્રોફેશનલ્સને ઘણું ઉપયોગી થઈ શકે છે. લિંક્ડઇન પ્લેટફોર્મ આપણને બે રીતે કામ લાગી શકે છે. તેમાં આપણે યોગ્ય રીતે પ્રોફાઇલ તૈયાર કર્યો હોય તો વિવિધ પોસ્ટ માટે સારા કેન્ડિડેટ શોધતી કંપનીઓની નજરમાં આપણે આવી શકીએ છીએ. એ જ રીતે લિંક્ડઇન પર આપણા નેટવર્કમાં સામેલ ન હોય એવી વ્યક્તિઓ સાથે પણ આપણે સંપર્ક કેળવી શકીએ છીએ. લિંક્ડઇન પર આપણું નેટવર્ક વિસ્તારવાનો ઘણો આધાર આ પ્લેટફોર્મ પરની આપણી એક્ટિવિટી તેમજ તેમાં આપણે તૈયાર કરેલા પ્રોફાઇલની વિઝિબિલિટી પર હોય છે, એટલે કે આ બધું અન્ય લોકોને વધુમાં વધુ પ્રમાણમાં દેખાય તો આપણો તેમની સાથે સંપર્ક થવાની શક્યતાઓ વધે.
લિંક્ડઇન પર પ્રોફાઇલ તૈયાર કરતી વખતે કઈ કઈ
બાબતોનું ધ્યાન રાખવું એ વિશે આપણે ટેકનોવર્લ્ડમાં અગાઉ વાત
કરી ગયા છીએ. અત્યારે આપણો પ્રોફાઇલ અન્ય લોકોને કેવો દેખાતો હશે તે જાણવાની અને
તેને વધુ લોકો સુધી પહોંચાડવાની રીત સમજી લઇએ.
લિંક્ડઇન પર આપણો પ્રોફાઇલ
લિંક્ડઇન પરનો આપણો પ્રોફાઇલ બે પ્રકારનો હોઈ
શકે છે - પબ્લિક અને પ્રાઇવેટ. જ્યારે કોઈ વ્યક્તિ લિંક્ડઇન પર આપણા વિશે શોધ
ચલાવે અથવા સીધા જ આપણા પ્રોફાઇલ પર પહોંચે ત્યારે તેમને આપણો પબ્લિક પ્રોફાઇલ
દેખાતો હોય છે. ખાસ કરીને આપણે લિંક્ડઇન પર જે લોકોના નેટવર્કનો હિસ્સો ન હોઇએ
તેમને આપણો આવો પબ્લિક પ્રોફાઇલ દેખાતો હોય છે. આપણા પ્રોફાઇલમાંની કેટલી વિગતો
આવા મુલાકાતીઓ જોઈ શકે તે આપણે પોતે નક્કી કરી શકતા હોઇએ છીએ.
લિંક્ડઇન પરની કોઈ પણ વ્યક્તિ આપણી સાથે કઈ
રીતે કનેક્ટેડ છે તેના આધારે આપણે તેઓ કેટલી વિગતો જોઇ શકે તેની પરમિશન્સ સેટ કરી
શકીએ છીએ.
આ કારણે આપણું
પ્રોફાઇલ જોઈ રહેલી વ્યક્તિને કઈ વિગતો દેખાઈ રહી છે તે જાણવું જરૂરી છે. એ તપાસવા
માટે તમારા સ્માર્ટફોનમાં લિંક્ડઇન એપ ઓપન કરો. તેમાં ડાબી તરફ આપેલ તમારા
પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરો અને તેમાં સેટિંગ્સ પર ક્લિક કરો (વ્યૂ પ્રોફાઇલ પર ક્લિક કરવાથી આપણું પ્રોફાઇલ પેજ ખૂલે છે, જ્યાંથી આપણે
તેને એડિટ કરી શકીએ છીએ. આ ભાગ માત્ર આપણે જોઈ શકીએ છીએ). સેટિંગ્સ પર ક્લિક કર્યા
પછી જે મેનૂ ખૂલે તેમાં વિઝિબિલિટીનો વિકલ્પ ક્લિક કરો. અહીં તમારો પ્રોફાઇલ
અને તમારા નેટવર્ક વિશે કોણ કેટલું જાણી શકે તે નક્કી કરી શકાય છે.
આ પેજમાં એડિટ યોર પબ્લિક પ્રોફાઇલ પર ક્લિક કરો. હવે જે પેજ ખૂલશે તેમાં નીચેની
તરફ પ્રિવ્યૂ યોર
પ્રોફાઇલ જોવા મળશે. આ
ભાગ બતાવે છે કે લિંક્ડઇન પર તમારા પ્રોફાઇલના મુલાકાતીઓને કઈ વિગતો કેટલા
પ્રમાણમાં જોવા મળી રહી છે. એ જોઈને નક્કી કરી શકાશે કે આટલી વિગતો પૂરતી છે કે
વધુ વિગતો આપવી જોઈએ.
લિંક્ડઇન પર ફ્રી એકાઉન્ટમાં, આપણી સાથે
ડાયરેક્ટલી કનેક્ટેડ એટલે કે ફર્સ્ટ ડિગ્રી કનેકશન્સ આપણે પ્રોફાઇલમાં ઉમેરેલી
કોન્ટેક્ટ ઇન્ફર્મેશન જોઈ શકે છે. સેકન્ડ અને થર્ડ ડિગ્રી કોન્ટેક્ટ્સ આપણી
કોન્ટેક્ટ ઇન્ફર્મેશન જોઈ શકતા નથી.
ઈ-મેઇલ એડ્રેસની વિઝિબિલિટી
ઈ-મેઇલ એડ્રેસની બાબતે લિંક્ડઇન કેટલીક
છૂટછાટ આપે છે. લિંક્ડઇન પર તમે તમારું નેટવર્ક વિસ્તારવા
માગતા હો અને નવા એમ્પ્લોય હાયર કરતી કંપની, સંભવિત
ક્લાયન્ટ્સ કે અન્ય લોકો તમારો સીધો સંપર્ક કરી શકે એવું તમે ઇચ્છતા હો તો
લિંક્ડઇન પર તમારું ઈ-મેઇલ એડ્રેસ વધુમાં વધુ લોકો જોઈ શકે એવું સેટિંગ રાખવું
જરૂરી છે.
એ માટે તમારા પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરી
સેટિંગ્સમાં જાઓ. તેમાં વિઝિબિલિટીમાં હુ કેન સી ઓર ડાઉનલોડ યોર ઇમેઇલ એડ્રેસનો વિકલ્પ દેખાશે. તેમાં આપણે પોતાનું ઇમેઇલ
એડ્રેસ માત્ર પોતે જોઈ શકીએ, ફર્સ્ટ કે સેકન્ડ ડિગ્રી કનેકશન્સ જોઈ શકે
અથવા લિંક્ડઇન પરની કોઈ પણ વ્યક્તિ જોઈ શકે એવું સેટિંગ કરી શકાય છે. લિંક્ડઇન પર એક્ટિવ રહેવાનો તમારો હેતુ નવી
કે સારી નોકરી કે કનેકશન્સ તરફથી વધુ કામ મેળવવાનો હોય તો લિંક્ડઇન પર કોઈ પણ
વ્યક્તિ તમારું ઇમેઇલ એડ્રેસ જોઈ શકે એવું સેટિંગ રાખવું ઠીક રહેશે.
આ સેટિંગ્સ બરાબર તપાસીને જરૂરી ફેરફાર કરી
લેશો તો લિંક્ડઇન પર એક્ટિવ રહેવાનો તમારો હેતુ પાર પડવાની શક્યતાઓ વધી જશે.
ગ્રુપ કોલિંગમાં જોડાવું સહેલું બન્યું
વોટ્સએપમાં હવે ગ્રૂપ કોલ્સમાં જોડાવું વધુ
સહેલું બન્યું છે. અત્યાર સુધી, કોઈ વ્યક્તિ તેમના પર આવેલો કોલની રિંગનો
જવાબ આપવાનું ચૂકી જાય તો તે ગ્રૂપ કોલમાં સહેલાઈથી જોડાઈ શકતા નહોતા. હવે અન્ય
લોકોનું ગ્રૂપ કોલિંગ ચાલુ હોય ત્યારે, પછીથી પણ તેમાં
જોડાઈ શકશે. એ જ રીતે, કોલ ચાલુ હોય ત્યારે વચ્ચે તેમાંથી નીકળી શકાશે તેમ જ ફરી જોડાઈ પણ શકાશે.
વોટ્સએપ ગ્રૂપ કોલ્સને ગ્રૂપ ચેટ્સ સાથે ઇન્ટીગ્રેટ કર્યા હોવાથી આ કામ હવે
સહેલાઈથી થશે. આ ફીચર ઝડપથી રોલઆઉટ થઈ રહ્યું છે.
ડોક્યુમેન્ટમાં સાદો ચાર્ટ ઉમેરવો છે ? એક્સેલની મદદ લેવાની જરૂર નથી
એક્સેલમાં આપણે ડેટા ટેબલને વિવિધ પ્રકારના ચાર્ટ સ્વરૂપે બતાવી શકીએ છીએ એ તો આપણે જાણીએ છીએ. એક્સેલમાંથી ચાર્ટને વર્ડમાં લાવી શકાય એ પણ આપણે જાણીએ છીએ, પણ વર્ડમાં જ ડેટા ટેબલમાંથી ચાર્ટ બનાવવો હોય તો?
એ પણ શક્ય છે! એ માટે વર્ડમાં કોઈ ડેટા
સાથેનું ટેબલ તૈયાર કરો. તેને સિલેક્ટ કરો.હવે મથાળાની રિબનમાં ઇન્સર્ટ ટેબમાં
ટેકસ્ટ સેકશનમાં ઓબ્જેક્ટનું બટન શોધી કાઢો.
તેના ડ્રોપ ડાઉન મેનૂમાં ઓબ્જેક્ટ પસંદ કરો
અને તેમાં માઇક્રોસોફ્ટ
ગ્રાફ ચાર્ટ વિકલ્પ પસંદ
કરો.
આ સાથે તમારા ટેબલના ડેટાને ચાર્ટ સ્વરૂપે
દર્શાવતું એક ગ્રાફિક વર્ડ ડોક્યુમેન્ટમાં ઉમેરાઇ જશે! તમારે ટેબલમાં કોઈ ડેટામાં
ફેરફાર કરવો હોય તો વર્ડના ટેબલમાં ફેરફાર કરવાને બદલે ચાર્ટ પર ડબલ ક્લિક કરતાં
જે ટેબલ ખૂલે તેમાં ડેટા બદલવો પડશે.
ચાર્ટ પર ક્લિક કરીને ગ્રાફને જુદી જુદી રીતે
એડિટ પણ કરી શકાશે.
કોઈ પણ ડેટાને ટેબલ સ્વરૂપે બતાવવાને બદલે
ચાર્ટ સ્વરૂપે બતાવવામાં આવે ત્યારે તેની અસરકારકતા ઘણી વધી જાય છે. આમ તો વર્ડ
અને એક્સેલ એકબીજાને ઘણાં અનૂકુળ રહીને કામ કરતાં પ્રોગ્રામ્સ છે પરંતુ નાના મોટા
ચાર્ટ ઉપર બતાવેલી રીતે વર્ડમાં જ તૈયાર કરવામાં આવે તો ઘણી સરળતા રહે છે.
આ બધીજ માહિતી "ગુજરાત સમાચાર " ન્યૂઝ પેપર માં આવતી બુધવાર ની પૂરતી છે જે શાળામાં અભ્યાશ કરતા વિદ્યાર્થીઓને મદદ રૂપ થઇ એ હેતુ થી અહીં એક સાથે આપવામાં આવી છે