ઇન્ફર્મેશન ટેક્નોલોજી
ઇન્ફર્મેશન ટેક્નોલોજી ખાસ્સી આગળ વધી હોવા છતાં , બહુ જાણીતી અને દુનિયાભરમાં યૂઝર્સ ધરાવતી વિવિધ સર્વિસ અવારનવાર ડાઉન થતી હોય છે. ગયા વર્ષે ફેસબુક , ટ્વીટર , ગૂગલ , ઇન્સ્ટાગ્રામ વગેરેની સર્વિસ આ રીતે ઠપ્પ થઈ હતી. વર્ષ ૨૦૨૩ની શરૂઆતમાં જ માઇક્રોસોફ્ટની સ્કાઇપ , ટીમ્સ અને માઇક્રોસોફ્ટ ૩૬૫ જેવી સર્વિસ ડાઉન થવા સાથે આ ટ્રેન્ડ આગળ વધ્યો છે. જો તમે તમારા લેપટોપમાં વનડ્રાઇવનો ઉપયોગ કરતા હશો તો તમે જાણતા હશો કે તેમાં ફાઇલ્સ ઓન ડિમાન્ડ નામે એક ઉપયોગી ફીચર છે. તેની મદદથી , આપણે જેના પર કામ કરતા હોઈએ ફક્ત તે જ ફાઇલ્સ પીસીમાં લોકલી સ્ટોર થાય છે , બાકીની ફાઇલ્સ ક્લાઉડમાં આપણા એકાઉન્ટમાં સ્ટોર થાય છે. પરંતુ આ રીતે ક્લાઉડ સર્વિસ ઠપ્પ થાય ત્યારે આપણું કામ અટકી શકે છે કેમ કે જોઈતી ફાઇલ આપણે ડાઉનલોડ કરી શકતા નથી. ઉપાય તરીકે , આપણે વનડ્રાઇવમાં મહત્ત્વનાં ફોલ્ડર્સ સતત પીસી પર ઉપલબ્ધ રહે એવું સેટિંગ કરી શકીએ છીએ. જેના પર રોજ કામ કરવાનું થતું હોય એવાં ફોલ્ડર્સ આ રીતે ઓફલાઇન રાખવાં સારાં. From:https://www.gujaratsamachar.com/news/science-tec...